Columns

લક્ષ્મીજીનું ગમન આગમન

એક શેઠજી ગર્ભ શ્રીમંત હતા ..પેઢી દર પેઢી તેમના કુટુંબ પર મા લક્ષ્મીની કૃપા સતત વરસતી હતી.પણ મૂળ લક્ષ્મીનો સ્વભાવ ચંચળ અને હવે જાણે સાત પેઢી બાદ લક્ષ્મીજીએ ઘર બદલવાનું વિચાર્યું.શેઠજી ખુબ જ ધર્મશીલ અને નીતિવાન હતા તેથી મા લક્ષ્મી તેમને સ્વપ્નમાં કહ્યું, ‘શેઠજી તમારા કુટુંબ પર મેં સાત સાત પેઢી કૃપા વરસાવી છે પણ હવે મેં તમારા ઘરેથી જવાનું નક્કી કર્યું છે.’ લક્ષ્મીજીની વાત સાંભળી શેઠજી ધ્રુજી ઉઠ્યા ……મા લક્ષ્મી જતા રહેશે તો પોતાનું અને પોતાના વારસદારોનું શું થશે …મા લક્ષ્મીજીને શેઠજી પગ પકડી આજીજી કરવા લાગ્યા , ‘મા, અમારી ભૂલ ચૂક ક્ષમા કરો ..મારા ઘરને છોડીને ન જાવ ..હું મારા પૂર્વજોને શું મોં દેખાડીશ કે હું તમને જાળવી ન શક્યો …..’ શેઠજીની અનેક આજીજી છતાં મા લક્ષ્મીજી ન માન્યા તે ન જ માન્યા ……અને બોલ્યા, ‘ના ,હવે મારું અહીંથી અન્ય સ્થળે જવું નક્કી જ છે.’

લક્ષ્મીજી રોકવા તૈયાર ન થયા ..પણ શેઠજીની પ્રાર્થના અને આજીજી સાંભળી લક્ષ્મીજીએ કહ્યું , ‘વત્સ હું હવે અહીં રહી તો નહિ શકું પણ જતા જતા તને એક વરદાન ચોક્કસ આપવ માંગું છું….માંગ માંગ તું જે માંગીશ તે હું આપીશ.’શેઠજીએ કહ્યું, ‘મા,તમે ભલે ચાલ્યા જાવ પણ વરદાન આપો કે મારો પરિવાર હંમેશા સંપીને રહે ..એકબીજાના સાથ સહકારથી કામ કરે …એકતા સદા જળવાઈ રહે …..પરિવારનો દરેક જન પુરુષાર્થી બને અને મહેનત કરવામાં પાછો ન પડે …હિંમતથી દરેક પરિસ્થિતિનો સામનો કરી હસતો રહે.’

માતા લક્ષ્મીજીએ, ‘રાજી થઇ ‘તથાસ્તુ’ કહ્યું અને પછી બસ શેઠજી ના ઘરમાંથી વિદાય લીધી…..પેઢી દર પેઢી ચાલતો શ્રીમંત શેઠનો વેપાર પડી ભાંગ્યો …શેઠજી ગરીબ બન્યા….પણ માતા લક્ષ્મીના વરદાનના પ્રતાપે સહુ પરિવારજનો સંપ જાળવી  અને સદભાવથી સાથે રહ્યા..કોઈએ એકબીજા પર દોષરોપણ ન કર્યા.અને સખ્ત મહેનત કરવાનું શરુ કર્યું અને પરિશ્રમપૂર્વક ફરીથી વેપાર જમાવવાની કોશિશ કરવા લાગ્યા…અને થોડા જ વખતમાં માતા લક્ષ્મીની કૃપા વરસવી શરુ થઇ. શેઠજીને સ્વપ્નમાં આવી માતા લક્ષ્મીએ કહ્યું, ‘વત્સ, હું ફરી તારા ઘરે નિવાસ કરવા આવી છું ..કારણ જ્યાં પ્રેમ ….પુરુષાર્થ…..સદભાવ…..સંયમ ….સંપ હોય ત્યાં પુણ્યોદય થાય છે અને ત્યાં હું નિવાસ કરું જ છું.’શેઠજી ના ઘરે ફરી મા લક્ષ્મીની સતત કૃપા વરસવા લાગી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top