જ્યારે મ્યાનમારના લશ્કરે આજે દેશની રાજધાનીમાં વાર્ષિક આર્મ્ડ ફોર્સિસ ડે હોલીડેની ઉજવણી એક પરેડ સાથે કરી હતી ત્યારે દેશના અન્ય ભાગોમાં સૈનિકો અને પોલીસોએ દેખાવો દબાવી દેવાના પ્રયાસમાં ડઝનબંધ દેખાવકારોને મારી નાખ્યા હતા અને ગયા મહિને લશ્કરી બળવો થયો તેના પછી આજનો દિવસ એ સૌથી ઘાતક અને લોહીયાળ દિવસ સાબિત થયો હતો.
યંગોનમાં એક સ્વતંત્ર સંશોધક દ્વારા જારી કરવામાં આવેલી એક ગણતરી મુજબ બે ડઝન શહેરો અને નગરોમાં કુલ ૯૩ જણાને મારી નાખવામાં આવ્યા છે, જ્યારે એક ઓનલાઇન ન્યૂઝ સાઇટ મ્યાનમાર નાવ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે મૃત્યુઆંક ૯૧ પર પહોંચ્યો છે.
આ બંને આંકડાઓ અગાઉના ૧૪ માર્ચના તમામ અંદાજો કરતા ઉંચા છે જે અંદાજોમાં ૭૪થી ૯૦નો આંક આવે છે. પોતાની સુરક્ષા ખાતર પોતાનું નામ નહીં જણાવવાનું કહેનાર સંશોધક દરરોજ દિવસના અંતે મૃત્યુઓનો આંકડો ગણીને મૂકે છે.
આ હત્યાઓએ મ્યાનમારના લશ્કરી શાસન માટે વ્યાપક આંતરરાષ્ટ્રીય ટીકાઓ નોતરી છે. બાળકો સહિત નિ:શસ્ત્ર લોકોની હત્યાઓ એ બચાવ નહીં કરી શકાય તેવું પગલું યે એમ મ્યાનમાર ખાતેના યુરોપિયન યુનિયનના ડેલિગેશને કહ્યું હતું.
મ્યાનમારમાં લોકશાહી સરકાર સામે લશ્કરે બળવો કરીને સત્તા પ્રાપ્ત કરી ત્યારથી લઇને ગઇકાલ સુધીમાં સુરક્ષા દળોએ ૩૨૮ લોકોને મારી નાખ્યા હોવાનો અંદાજ એસોસિએશન ઓફ પોલિટિકલ પ્રિઝનર્સ નામની સંસ્થા દ્વારા મૂકવામાં આવ્યો છે. આજના સશસ્ત્ર દળોના દિનના પોતાના પ્રવચનમાં લશ્કરી જુન્ટના વડા સિનિયર જનરલ મિન ઓંગ હલેઇંગે વિરોધ આંદોલનનું સીધુ નામ લીધું ન હતું પરંતુ જણાવ્યું હતું કે સામાજીક સુરક્ષા અને રાષ્ટ્રની શાંતિને હાનિકારક હોય તેવો ત્રાસવાદ અસ્વીકાર્ય છે.