સરકારની વેહિકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ, જૂના વાહનો ભંગારમાં કાઢીને નવી કારો ખરીદનારાઓને નવી કાર પર પાંચ ટકા છૂટ આપવામાં આવશે એમ જણાવતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે તેને એક વિન-વિન પોલિસી ગણાવી હતી અને જણાવ્યું હતું કે તે ઇંધણ ક્ષમતા વધારવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે.
આ સંદર્ભમાં મંત્રાલય દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના કેન્દ્રીય બજેટમાં જ સ્વૈચ્છિક રીતે વાહનોને ભંગારમાં આપવા પર વળતર આપવા માટેની નીતિની જાહેરાત કરવામાં આવી હતી. વોલન્ટરી વેહિકલ ફ્લીટ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અથવા વેહિકલ સ્ક્રેપિંગ પોલિસીમાં ભંગારમાં અપાયેલી જૂની કારની સામે નવી કાર ખરીદનારે આ નવા વાહનની કિંમત પર પાંચ ટકા વળતર કે છૂટ આપવામાં આવશે.
નવું વાહન ખરીદનારાઓ પોતાના જૂના વાહનનું સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બતાવે તો તેમને નવા વાહનની ખરીદી પર પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું વાહન ઉત્પાદકોને કહેવામાં આવ્યું છે એમ કેન્દ્રીય પરિવહન, ધોરીમાર્ગ અને લઘુ તથા મધ્યમ ઉદ્યોગોના મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. વેહિકલ સ્ક્રેપિંગ પોલિસી અંગે તેમણે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં નિવેદન કર્યું હતું.
પરિવહન મંત્રીના જણાવ્યા પ્રમાણે આ નીતિનો હેતુ જૂના અને ખામીયુક્ત વાહનોનું પ્રમાણ ઘટાડવાનો, વાહનોથી થતું હવાનું પ્રદૂષણ ઘટાડવાનો તથા રસ્તાઓ અને વાહનો પરની સલામતી વધારવાનો છે. આ ઉપરાંત જૂના વાહનોમાંથી નીકળતા પ્લાસ્ટિક, સ્ટીલ, રબર વગેરેનું રિસાઇકલીંગ કરવાનો પણ હેતુ છે જેથી વાહનોની કિંમત પણ ઘટશે. આ નીતિ બાબતે હિતધારકોની ટિપ્પણીઓ માટેનું એક સૂચિત જાહેરમાનુ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય આગામી કેટલાક સપ્તાહમાં જાહેર કરી શકે છે.
જૂનૂ વાહન ભંગારમાં કાઢી નવું ખરીદવાથી કયા લાભો મળી શકે તેમ છે?
વેહિકલ સ્ક્રેપિંગ પોલિસીના પ્રોત્સાહનોની યાદી રજૂ કરતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે જૂના વાહન માટે સ્ક્રેપિંગ સેન્ટર દ્વારા અપાનાર ભંગાર કિંમત નવા વાહનની એક્સ-શો રૂમ કિંમતના અંદાજે ૪થી ૬ ટકા હશે. નવા વાહનની ખરીદી પર કિંમતમાં પાંચ ટકા છૂટ મળશે. આ ઉપરાંત આવી રીતે ખરીદેલ અંગત નવા વાહન પર ૨પ ટકા અને કોમર્શિયલ વાહન પર ૧પ ટકા સુધીની રોડ ટેક્સ રિબેટ આપવાની સલાહ રાજ્ય સરકારોને અપાઇ શકે છે. વધુમાં સ્ક્રેપિંગ સર્ટિફિકેટની સામે નવા વાહન પરની રજીસ્ટ્રેશન ફી પણ જતી કરી શકાય છે.
અલંગ સહિત અનેક સ્થળે સ્ક્રેપિંગ સેન્ટરો સ્થપાશે
પરિવહન મંત્રીએ જણાવ્યું હતું કે જૂના વાહનો તોડવા માટે દેશભરમાં સ્ક્રેપિંગ સવલતો વિકસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાતના અલંગ સહિતના કેટલાક સ્થળો પસંદ કરવામાં આવ્યા છે જ્યાં વાહનો માટેના હાઇલી સ્પેશ્યલાઇઝ્ડ સ્ક્રેપિંગ સેન્ટરો વિકસાવવામાં આવશે જ્યાં વિવિધ સ્ક્રેપિંગ ટેકનોલોજીઓ અમલમાં મૂકવામાં આવશે.