સુરત: વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં મેટ્રો રેલમાં બનાવવામાં આવશે. સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં ડબલ લેયર રેલવે સ્ટેશન બનશે. એટલે કે મેટ્રોની અપ અને ડાઉન ટ્રેક માટે અલગ અલગ સ્ટેશનો હશે. કારણ કે, અહીં રોડની પહોળાઈ પ્રમાણમાં ઓછી હોવાથી આ પ્રમાણે સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત એલિવેટેડ રૂટ પર ભટાર રોડ, રૂપાલી નહેર અને ડ્રીમ સિટીનાં સ્ટેશનો પણ યુનિક ડિઝાઇનના બનાવવામાં આવશે.
છેલ્લાં 20 વર્ષથી જેની રાહ જોવાતી હતી તેવા સુરત માટે અતિ મહત્ત્વના અને ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ માટે પ્રથમ ફેઝ એટલે કે સરથાણાથી ડ્રીમ સિટીના 21.61 કિ.મી.ના રૂટ પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના 11.6 કિ.મી.ના રૂટ તેમજ સરથાણાથી મક્કાઇ પુલ સુધીના 10 કિ.મી.ના રૂટ (અંડરગ્રાઉન્ડ 6 કિ.મી. સહિત) માટે ટેન્ડરો મંજૂર થઇ ચૂક્યાં છે અને વડાપ્રધાન દ્વારા આ ડ્રીમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરી દેવાયું છે.
કેન્દ્ર સરકારે મંજૂર કરેલા ડીપીઆર મુજબ સુરત મેટ્રો રેલનો પ્રોજેક્ટ રૂ.12,114 કરોડના ખર્ચે સાકાર થનાર છે. કુલ 40.35 કિ.મી.ની મેટ્રો રેલ બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેમાં એક ફેઇઝમાં સરથાણાથી ડ્રીમ સિટીનો 21.61 કિ.મી.નો રૂટ છે. જ્યારે બીજા રૂટમાં સારોલીથી ભેંસાણ છે. આ રૂટ 18.39 કિ.મી.નો હશે. હાલમાં જે પ્રથમ ફેઇઝના ત્રણ અલગ અલગ પાર્ટ કરી ટેન્ડરો આપી દેવાયાં છે.
ડ્રીમ સિટીનું સ્ટેશન ડાયમંડ આકારનું અને રૂપાલી કેનાલ પર ક્રોસમાં મેટ્રો સ્ટેશન બનશે
શહેરમાં મેટ્રોનાં કુલ 39 સ્ટેશન આકાર લેશે. જેમાં વિવિધ સ્ટેશનોમાં આગવી ઓળખ આપવા માટે વિવિધતા સાથે સ્ટેશન બનાવાશે. જેમાં ડ્રીમ સિટી પાસે બનનારા ડ્રીમ સિટીનું મેટ્રો સ્ટેશન કોહિનૂર ડાયમંડ આકારનું હશે. તેમજ રૂપાલી કેનાલ પાસે મેટ્રો સ્ટેશન ક્રોસ આકારનું બનશે. જે માટેની ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. રૂપાલી નહેર પાસે સ્ટેશન બનાવવા માટે જગ્યા ઓછી હોવાથી ક્રોસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એલિવેટેડ રૂટ 30 અને 48 મહિનાનો સમયગાળો લાગશે
શહેરમાં એલિવેટેડ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવા માટે 30 મહિનાનો સમયગાળો લાગશે. સુરતમાં જે રીતે ટ્રાફિકની સમસ્યા ઓછી છે તે જોતાં એલિવેટેડ સ્ટેશનોની કામગીરીમાં વધુ સમય નહીં લાગશે. પરંતુ અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે 48 મહિનાનો સમયગાળો લાગે તેવું મેટ્રો રેલ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ જણાવી રહ્યા છે. અંડર ગ્રાઉન્ડ સ્ટેશન 16થી 25 મીટર નીચે બનાવાશે.
મ્યુનિ.કમિ. પાની અને મહાપાલિકાના પોઝિટિવ અભિગમને કારણે મેટ્રોની કામગીરી ઝડપથી પૂર્ણ થશે: સુરત મેટ્રોના જનરલ મેનેજર સત્ય પ્રકાશ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સિવિલ વિભાગના જનરલ મેનેજર સત્ય પ્રકાશ કે જેઓ છેલ્લા 2 મહિનાથી સુરત મેટ્રો રેલની કામગીરી સાથે જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે, સુરત મેટ્રો રેલની કામગીરી માટે મ્યુનિ.કમિ. પાનીની સાથે મહાપાલિકા દ્વારા પોઝિટિવ અભિગમ બતાવવામાં આવી રહ્યો હોવાથી મેટ્રોની કામગીરી ઝડપથી પુરી થશે. આ માટે વિવિધ વિભાગોના સંકલન પણ ખૂબ સારું છે.