National

અમેરિકાના ઇન્ડિયાનાપોલિસ શહેરમાં ફેડએક્સની પેટાકચેરીમાં આડેધડ ગોળીબાર: આઠનાં મોત

અહીં ઇન્ડિયાનાપોલિસ એરપોર્ટ નજીક એક ફેડએક્સની સવલતમાં એક બંદુકબાજે ગત મોડી રાત્રે આડેધડ ગોળીબાર કરીને આઠને મારી નાખ્યા હતા અને બાદમાં પોતાને જ ગોળી મારીને આપઘાત કર્યો હતો એમ પોલીસે જણાવ્યું હતું. રોગચાળાના સમયગાળામાં આવા આડેધડ ગોળીબારોના બનાવમાં થોડો વિરામ આવ્યા બાદ શરૂ થયેલા આવા બનાવોમાં હાલ આ છેલ્લામાં છેલ્લો મોટો બનાવ છે.

સ્થાનિક સમય પ્રમાણે ગુરુવારે રાત્રે કરવામાં આવેલા આ ગોળીબારમાં ઇજાગ્રસ્ત થયેલા પાંચ જણાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એમ પોલીસે જણાવ્યું હતું. ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર છે એમ પોલીસ પ્રવકતા જીન કૂકે જણાવ્યું હતું. અન્ય બે જણાને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી અને રજા આપવામાં આવી હતી. ફેડએક્સે જણાવ્યું હતું કે મૃતકોમાં આ કંપની માટે કામ કરતા લોકોનો પણ સમાવેશ થાય છે.

બનાવને નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તે આ બિલ્ડિંગમાં કામ કરે છે અને તેણે ઉપરાછાપરી બંદૂકના ગોળીબારના અવાજો સાંભળ્યા હતા. મેં એક માણસને તેના હાથમાં બંદૂક સાથે બહાર આવતો જોયો હતો અને તેણે જોર જોરથી બૂમો પાડવા માંડી હતી જે મેં સાંભળી ન હતી. હું નીચો વળીને સંતાઇ ગયો કારણ કે મેં વિચાર્યું કે જો તે મને જોશે તો તે મને પણ ગોળી મારશે એમ આ વ્યક્તિએ જણાવ્યું હતું. અમેરિકામાં તાજેતરના સામૂહિક ગોળીબારના બનાવોમાં વધુ એકનો ઉમેરો થયો છે. ગયા મહિને કોલોરાડોના બાઉલ્ડરમાં એક સુપરમાર્કેટમાં ગોળીબાર થતા ૧૦નાં મોત થયા હતા.

ફેડએક્સની ઇમારતમાં આ ગોળીબાર થતાં ગભરાટ ફેલાઇ ગયો હતો. પોલીસને રાત્રે ૧૧ વાગ્યે કોલ મળ્યો હતો. ફેડએક્સના મોટા ભાગના કર્મચારીઓને સેલફોન અંદર લઇ જવા દેવાતા ન હોવાથી તેમની સાથે સંપર્ક કરવો પણ મુશ્કેલ બન્યો હતો.

Most Popular

To Top