નવા કોરોનાવાયરસની ઉત્ક્રાંતિની પ્રક્રિયાનું વૈજ્ઞાનિકોએ મૂલ્યાંકન કર્યું છે અને આગાહી કરી છે કે હાલ વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતી કોવિડ-૧૯ની રસીઓનું નિયમિત મૂલ્યાંકન કદાચ જરૂરી બની શકે છે જેથી આ વાયરસના નવા વેરિઅન્ટ્સનો સામનો કરી શકાય જે વેરિઅન્ટ્સ શરીરના પ્રોટેક્ટિવ એન્ટિબોડીઝને થાપ આપવામાં સક્ષમ હોઇ શકે છે.
વાયરસ ઇવોલ્યુશન જર્નલમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે ઇન્ફ્લુએન્ઝાના વાયરસની જેમ આ કોરોનાવાયરસ સાર્સ-કોવ-ટુ પણ લાંબા ગાળે માણસના શરીરની રોગ પ્રતિકારકતાને થાપ આપવાની ક્ષમતા વિકસાવી શકે છે.
પોતાના સંશોધનમાં જર્મનીની ચેરિટે યુનિવર્સિટાટ્સમેડિઝિન બર્લિનના વાયરોલોજિસ્ટોએ કરેલા અભ્યાસમાં હાલમાં જાણીતા એવા સામાન્ય શરદીના ચાર જાણીતા કોરોનાવાયરસોની જિનેટિક ઉત્ક્રાંતિનો અભ્યાસ કર્યો હતો, જેમાં ખાસ કરીને બે સૌથી લાંબા સમયથી જાણીતા વાયરસો ૨૨૯ઇ અને ઓસી૪૩નો અભ્યાસ કર્યો હતો.
તેમણે આ કોરોનાવાયરસોના સ્પાઇક પ્રોટિનમાં થતા ફેરફારોનું પગેરું દબાવ્યું હતું અને તેમણે જણાયું હતું કે આ ફેરફારને કારણે આ વાયરસો ભૂતકાળમાં ૪૦ વર્ષ દરમ્યાન યજમાન કોષની અંદર દાખલ થવા સક્ષમ બની ગયા હતા.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે હાલનો નવો કોરોનાવાયસનો જીનોમ દર વર્ષે ૧૦૦૦૦ બેઝ મોલેક્યુલસ પર અંદાજે ૧૦ મ્યુટેશન્સના દરે પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને તેની આ ઝડપ પેલા એન્ડેમિક વાયરસોના બદલાવાની ઝડપ કરતા વધારેે છે અને તેની બદલાવાની આ ઝડપ જોતા વિશ્વભરમાં તેની સામે વપરાતી રસીઓનું નિયમિત મૂલ્યાંકન જરૂરી છે એમ વૈજ્ઞાનિકો જણાવે છે.