ગુજરાતમાં ૨૦૦૭માં ગીરમાં ૬ કરતાં વધુ સિહોના શિકારની ઘટનાની યાદ તાજી કરાવે તેવી ઘટના ફરીથી અમરેલી નજીક ખાંભા પાસે બની છે. વન વિભાગ દ્વારા સિંહોનો શિકાર કરવા માટે આવેલી શિકારી ગેંગના ૩૫ કરતાં વધુ સભ્યોની ધરપકડ કરી લીધી છે. ૨૦૦૭માં સિંહોના શિકારની ઘટનામાં મધ્યપ્રદેશની શિકારી ગેંગની સંડોવણી બહાર આવી હતી.
વન વિભાગની તપાસમા આ શિકારી ગેંગ દેશી ઓષધીઓના વેચાણ માટે તેમજ વનસ્પતિ એકત્ર કરવાના બહાને જંગલ વિસ્તારમાં આવી હતી. જો કે ખાંભામાં એક જગ્યાએ શિકારી ગેંગ દ્વારા સિંહ બાળને ફસાવવા માટે ફાંસલો ગોઠવવામાં આવ્યો હતો.
તેમાં સિંહ બાળ ફસાઈ પણ ગયું હતું, જો કે શિકારી તેને મારવા જાય તે પહેલા એક સિંહણે શિકારી પર હુમલો કરી દીધો હતો એટલું જ નહીં સિંહ બાળે પણ શિકારીને પંજો મારી દીધો હતો. જેના પગલે આ શિકારી સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે દાખળ થયો હતો, તે પછી સમગ્ર ષડયંત્ર પ્રકાશમાં આવ્યું હતું.
તમામ શિકારીઓ સુરેન્દ્રનગરના વતની: મોટા પાયે શિકારમાં ઉપયોગમાં લેવાતા ફાંસલા જપ્ત કરાયા
વન વિભાગને સમગ્ર ષડયંત્રની ગંભીરતા ધ્યાને આવી જતાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં એક ડઝન કરતાં વધુ લોખંડના ફાંસલા તેમજ લાકડીઓ, ધોકા, દોરડા મળી આવતા તે જપ્ત કરી લેવાયા છે. આ તમામ શિકારીઓ સુરેન્દ્રનગરના વતની છે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા શિકારીની પણ ધરપકડ કરી લેવાઈ છે. જયારે ફાંસલામાં ફસાયેલા સિંહ બાળને મુકત્ત કરાવી તેને પણ સારવાર આપવામાં આવી રહી છે.