ગાંધીનગર: જો તમે ખુલ્લા પ્લોટમાં લગ્ન કરશો અને વધુ મહેમાનો હશે તો તેમને કોરોના લાગી જશે, પરંતુ જો તમે ખુલ્લા મેદાનમાં રાજકીય સભાની સાથે અન્ય કાર્યક્રમો કરશો તો તેમને કોરોના નહીં લાગે. આજે રાજ્ય સરકારે આવો નિર્ણય જાહેર કર્યો હતો. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં લગ્ન સમારંભમાં હાલમાં 100 મહેમાનોને હાજરી આપવા માટે મંજૂરી છે. જયારે હોલની અંદર 200 મહેમાનોને સમાવી શકાશે. ઉપરાંત ખુલ્લા ગ્રાઉન્ડમાં મંડપ કરીને કરવામાં આવતા સમારંભમાં કોઈ મર્યાદા નથી.
આજે સવારે ગાંધીનગરમાં પત્રકાર સાથેની વાતચીતમાં રૂપાણીએ કહ્યું હતું કે, સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સાથે રાજયમાં લગ્ન સમારંભમાં હાલમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 100 મહેમાનોને છૂટ આપવામાં આવી છે. જયારે હોલની અંદર 200 મહેમાનો અને ખુલ્લામાં મંડપમાં યોજવામાં આવતા સમારંભમાં કોઈ મર્યાદા નથી. તેમણે કહ્યું હતું કે આ સમારંભોમાં જો સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તો તેને ગાઈડલાઈનનો ભંગ કહેવાય. માસ્ક ન પહેર્યુ હોય તો તેનો દંડ લેવામાં આવે જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારના આ નિર્ણયને પગલે વિવાદ ઉભો થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના ખુલ્લા પ્લોટમાં સમારંભ અંગેના કાટલાઓ જુદા પડી રહ્યા છે. ખુલ્લા પ્લોટમાં લગ્ન હોય તો પણ 100થી 200 મહેમાનોને જ સમાવી શકાશે પરંતુ જો ખુલ્લા પ્લોટમાં રાજકીય સભાની સાથે અન્ય કોઈપણ સમારંભ યોજવામાં આવશે તો ગમે તેટલા વ્યક્તિઓનો સમાવેશ થઈ શકશે. મતલબ કે લગ્ન હશે તો કોરોના ફેલાશે અને જો અન્ય કાર્યક્રમ હશે તો કોરોના નહીં ફેલાય.
આગામી દિવસોમાં ચૂંટણીઓ આવી રહી હોવાથી સરકારે આવો નિર્ણય લીધાની ચર્ચા
આગામી દિવસોમાં રાજ્યમાં મહાપાલિકા અને પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા સમારંભો શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેને પગલે મોટો વિવાદ પણ ઉભો થયો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પર મોટી સંખ્યામાં કાર્યકરોના ટોળાને ભેગા કરવા મામલે માછલા પણ ધોવાઈ રહ્યાં છે. આ સંજોગોમાં વિવાદોથી બચવા સરકારે આવો નિર્ણય લીધાનું ચર્ચાઈ રહ્યું છે.