Madhya Gujarat

મહિસાગરના 98 ગામના તલાટી અને સરપંચને નોટીસ

ખાનપુર : મહીસાગર જિલ્લાની 98 ગ્રામ પંચાયતોને પાણી પુરવઠા વિભાગની લાઇનમાંથી સીધું જોડાણ લેવા બદલ જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણી દ્વારા પંચાયત અધિનિયમ મુજબ કાર્યવાહી કેમ ના કરવી ? તેનો ખુલાસો કરવા સહિતની ગ્રામ પંચાયતોના સરપંચો અને તલાટીઓને આ નોટિસો ફટકારવામાં આવી છે. મહીસાગર જિલ્લાની જે 98 ગ્રામ પંચાયતોના સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓને પાણી પુરવઠા વિભાગની લાઇનમાંથી સીધું જોડાણ લેવા બદલ નોટીસો ફટકરાવામાં આવી છે.

તેમાં બાલાસિનોર તાલુકાની 8 ગ્રામ પંચાયત, ખાનપુર તાલુકાની 16 ગ્રામ પંચાયત, લુણાવાડા તાલુકાની 58 ગ્રામ પંચાયત, વિરપુર તાલુકાની 16 ગ્રામ પંચાયત મળી કુલ 98 ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીઓનો સમાવેશ થાય છે. આ સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓ સામે પાઈપલાઈનના સીધા નેટવર્કથી પાણી લેતાં હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પાણી પુરવઠા વિભાગની લાઇનમાંથી સીધું જોડાણ લઇને નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં પુરતું પાણી પહોંચતા ન હોવાની બાબતને ધ્યાને લઇ કરવામાં આવેલી કડક કાર્યવાહી અને સરપંચો તથા તલાટી-કમ-મંત્રીઓને નોટીસ ફટકારવામાં આવતા જિલ્લાના અન્ય ગામોના સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓમાં ફફડાટ ફેલાયો છે.

પાણી પુરવઠા વિભાગની લાઇનમાંથી સીધું જોડાણ લઇને નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં પુરતું પાણી ન પહોંચાડીને પીવાના પાણીની વ્યવસ્થામાં અવરોધ ઉભો કરનારી 98 ગ્રામ પંચાયતોને ગંભીર પ્રકારની બેદરકારી દાખવવા બદલ અને જોગવાઇઓનું ઉલ્લંઘન કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીએ પંચાયત અધિનિયમ મુજબ કાર્યવાહી કેમ ન કરવી ? નો ખુલાસો કરવા સહિતની નોટીસ ફટકારી આવું કૃત્ય કરનારને કડક અને સ્પષ્ટ સંદેશો પાઠવ્યો છે કે કોઇપણ પ્રકારની ગેરરીતિ કે ખોટી કામગીરી ચલાવી લેવામાં આવશે નહીં.

મહિસાગર જિલ્લા વિકાસ અધિકારીની આ નોટીસના પગલે ખળભળાટ મચી ગયો હતો. એક તરફ અનેક ગામડાંમાં પાણીની અછતની બૂમ પડી છે. તો બીજી તરફ ગેરકાયદે કનેકશન સહિતના મામલે પાણી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી શકતું નથી. જોકે, કેટલાક ગામોમાં સરપંચ અને તલાટી પણ જાણતા હોવા છતાં સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરતાં હોય છે. જિલ્લા વિકાસ અધિકારીની નોટીસના પગલે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

પાણી માટે શા માટે નોટીસ આપવામાં આવી ?
સૂત્રોના જણાવ્યાનુસાર, આરડબલ્યુએસએસ ગામના પાણીના સં૫, ટાંકા સુઘી પાણી ૫હોંચાડવામાં આવે છે અને તે સં૫ – ટાંકામાંથી દરેક ઘર સુઘી પાણી ૫હોંચાડવાની આંતરિક વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારની વ્યવસ્થામાં જયારે ગ્રામ પંચાયત તેની કુલ જરૂરિયાતના 16 કલાક કરતાં વધારે પાણી મેળવે છે, ગ્રામ પંચાયત આ પાણી ફળિયાઓમાં કે એક ૫છી એક વિસ્તારોમાં બે કલાક સુઘી વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે. પરંતુ ગોઠવવામાં આવેલી વ્યવસ્થા છતાં જિલ્લાના અમુક ગામોમાં પૂરતાં પ્રમાણમાં પાણી મળતું ન હોવાની તો કેટલાંક નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારમાં પૂરતાં પ્રમાણમાં પાણી પહોંચતું ન હોવાની જિલ્લાના પાણી પુરવઠા વિભાગને રજૂઆત મળી હતી. આ રજૂઆતોને ધ્યાને લઇ પાણી પુરવઠા વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જણાઇ આવેલ કે જે તે ગ્રામ પંચાયતમાં વઘુ ૫ડતો પાણીનો જથ્થો ખેંચાઇ આવતો હોઇ નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતાં પ્રમાણમાં પાણી ૫હોંચતું નહોતું.

ગેરકાયદે કનેકશન બાબતે અને શરતોના પાલન માટે સરપંચ – તલાટી જવાબદાર
ગ્રામ પંચાયતોમાં આરડબલ્યુએસએસ દ્વારા ઉભી કરવામાં આવેલ પાણીની વ્યવસ્થાનું ગ્રામ પંચાયતોએ સંચાલન, સાચવણી અને પાણીનું યોગ્ય રીતે વિતરણ થાય તે જોવાની જવાબદારી સંબંધિત ગ્રામ પંચાયતે નિભાવવાની હોય છે આમ છતાં આરડબલ્યુએસએસની મુખ્ય પાઇ૫લાઇનમાંથી ગેરકાયદે કનેકશન જોડી અથવા અન્ય રીતે ચેડાં થતા હોય તો તે માટે જે તે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-કમ-મંત્રી સીધા જવાબદાર બનતા હોય છે. પ્રત્યક્ષ કે ૫રોક્ષ રીતે ચેડાં કરીને અથવા ગેરકાયદે સાધનોના ઉ૫યોગ દ્વારા અથવા સત્તામંડળ દ્વારા જે બોલીઓ અને શરતોના આઘારે જોડાણ આ૫વામાં આવેલું હોય તેનું ઉલ્લંઘન કરીને, નકકી માત્રા કરતાં વધુ પ્રમાણમાં પાણી ઉપાડી શકે નહિ, અને કોઇ૫ણ વ્યકિત દ્વારા જેના માટે જોડાણ આ૫વામાં આવ્ચું હોય તે સિવાયના અન્ય હેતુ માટે પાણીનો ઉ૫યોગ કરી શકે નહિ.

Most Popular

To Top