ફ્રાન્સના વડાપ્રધાન જિન કેસ્ટેક્સે ગુરૂવારે પેરિસ અને અન્ય કેટલાક વિસ્તારોમાં એક મહિના માટે આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન શાળાઓ અને જરૂરી વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.
તમામ બિનજરૂરી વ્યવસાય બંધ કરવામાં આવશે અને અસરગ્રસ્ત વિસ્તારમાં બહારથી આવનારા લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઘરથી 10 કિલોમીટરના વિસ્તારમાં વ્યાયામ કરવા માટેની મંજૂરી રહેશે.
નેશનલ હેલ્થ એજન્સીના વડા જેરોમ સોલોમનએ રવિવારે કહ્યું હતું કે જો અમારે લોકડાઉન કરવું પડે તો અમે એ પણ કરીશું. પરિસ્થિતિ જટિલ છે અને પેરિસ ક્ષેત્રમાં તે વધુ વિકટ બની રહી છે.
સોલોમને સ્વીકાર્યું હતું કે કેટલાક વિસ્તારો માટે ચેપના પ્રસારને નિયંત્રિત કરવા માટે સાંજના 6 વાગ્યા પછી દેશવ્યાપી કર્ફ્યુ પૂરતું નથી.
ફ્રાન્સમાં નવેમ્બર 2020 પછી, કોરોના દર્દીઓની સંખ્યા ફરી વધી રહી છે. વર્લ્ડોમીટરના ડેટા અનુસાર, અહીં સુધીમાં અત્યાર સુધીમાં 91 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 41 લાખથી વધુ છે. ફ્રાન્સમાં બુધવારે 38 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા અને 241 લોકોનાં મોત નીપજ્યાં હતાં. કોરોના અસરગ્રસ્ત દેશોની યાદીમાં ફ્રાન્સ છઠ્ઠા ક્રમે છે.