દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે પણ ઠંડીનું પ્રમાણ વધુ રહેતો લોકો ઠૂંઠવાયા હતા. છેલ્લા બે દિવસથી પડી રહેલી વધુ ઠંડીને લઈ લોકો થરથર ધ્રુજી રહ્યા છે. ગરમ કપડાંની સાથે શહેરના અમુક વિસ્તારો અને ગામડાંઓમાં ઠેર ઠેર ઠંડીથી બચવા લોકો તાપણાંનો સહારો લઈ રહ્યા છે.
જેમાં વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી રહ્યા કરે છે. જે આ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે. શુક્રવારે પણ લઘુત્તમ તાપમાન 10.5 અને મહત્તમ 29.5 ડિગ્રી, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા નોંધાયું હતું.
નવસારી જિલ્લામાં એક જ દિવસમાં 0.5 ડિગ્રીનો ચઢાવ ઉતાર જોવા મળતાં ઠંડીથી લોકો થથરતા રહ્યા છે. બુધવારે લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી હતું, જેમાં 0.5 ડિગ્રીનો વધારો થતાં ગુરૂવારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું અને ફરી શુક્રવારે તેમાં 0.5 ડિગ્રીનો ઘટાડો થતાં લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રીએ ફરી પહોંચી ગયું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં એક જ દિવસમાં 2.5 ડિગ્રીનો વધારો થતાં દિવસે ગુલાબી ઠંડી રહી હતી.
ગયા બુધવારથી રાત્રી ઠંડી બની રહી છે, જ્યારે દિવસે થોડો ગરમાટો વધી રહ્યો છે. ગુરૂવારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી પર પહોંચ્યું હતું, જેમાં ફરીથી 0.5 ડિગ્રીનો ઘટાડો થતાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રીએ પહોંચતા રાત્રી ઠંડી બની હતી. જો કે મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમીનો અહેસાસ પણ થયો હતો. શુક્રવારે મહત્તમ તાપમાન 32.2 ડિગ્રીએ પહોચ્યું હતું. ભરૂચમાં લઘુત્તમ 13 અને મહત્તમ 33 જ્યારે તાપી જિલ્લામાં લઘુત્તમ 14 અને મહત્તમ 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ક્યાં કેટલુ તાપમાન
જિલ્લો મહત્તમ લઘુત્તમ
વલસાડ 29.5 10.5
નવસારી 32.2 11.5
ભરૂચ 33 13
તાપી 35 14