મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ઘણા વિસ્તારોમાં રાજકારણીઓનો સખત વિરોધ પણ થઈ રહ્યો છે. 21 મી ફેબ્રુઆરીએ મતદાન છે ત્યારે રાજકારણીઓ જોરશોરમાં પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. જેમાં ઘણા વિસ્તારોમાં તેઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સુરતમાં શિક્ષિત બેરોજગારોના મુદ્દા લઇને અલગ-અલગ વિસ્તારોમાં ‘‘ભરતી નહીં તો.. વોટ પણ નહીં’’ ના બેનર લગાવવામાં આવ્યા છે બેનરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘‘રાજ્યના લાખોની સંખ્યામાં શિક્ષિત બેરાજ બેરોજગારો માટે જવાબદાર કોણ છે?’’ રાજ્યની ભાજપ સરકાર ઉપર સીધા આક્ષેપ કરતાં બેનરો લગાડવામાં આવ્યા છે.
શહેરમાં વરાછા, કતારગામ, કાપોદ્રા, યોગીચોક, મોટા વરાછા સહિતના વિસ્તારોમાં આ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને શિક્ષિત બેરોજગારોને લેવા માટે પરીક્ષાની તારીખો જાહેર કરવાની વાત કરવામાં આવી છે. જે પરીક્ષાઓ લેવાઇ ગઇ છે અને ઉમેદવારે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે તેમણે ઝડપથી નોકરીનો ઓર્ડર આપવામાં આવે એ પ્રકારની માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે કેટલીક એવી જગ્યાઓ કે જેમાં ઉમેદવારે પરીક્ષા પાસ કરીને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, છતાં પણ તેમને હજી સુધી નોકરી પર હાજર થવા માટે હુકમ કર્યો નથી. તેને કારણે પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. યુવા શિક્ષિત બેરોજગારો દ્વારા ભરતી નહીં તો મત નહીંના બેનર શહેરના વિવિધ વિસ્તારોમાં લગાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.