કોરોનાની વેક્સિનને કારણે પહેલા પોલીસ કર્મચારીઓ અને હવે મનપાના ચોથા વર્ગના કર્મચારીઓની હાલત ખરાબ થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બે દિવસ પહેલા વરાછા ઝોનના ડ્રેનેજના કર્મચારી બાદ સોમવારે કતારગામ ઝોનની મહિલા કર્મચારીની તબિયત લથડતાં તેને સારવાર માટે રાજમાર્ગ ખાતેની મસ્કતિ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, કતારગામ ઝોનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા 36 વર્ષિય અલ્કાબેન વિજયભાઇ ધામેલે આજે કિરણ હોસ્પિટલમાં આવેલા સેન્ટરમાં કોરોનાની વેક્સિન મુકાવી હતી. સવારે સાડા દસ વાગ્યાના અરસામાં વેક્સિન મુકાવ્યા બાદ તેમની તબિયત લથડી હતી.
અલ્કાબેનને પેટમાં દુ:ખાવો થયો હતો અને ચક્કર આવવા લાગ્યા હતા. વેક્સિન મુકાવ્યાના એક કલાક બાદ જ તેમને સારવાર માટે તાત્કાલિક માટે મસ્કતિ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું.વેક્સિન લીધા બાદ મનપાના આ બીજા કર્મચારીની તબિયત ખરાબ થઈ છે.
બે દિવસ પહેલા પણ વેક્સિન લીધા બાદ વરાછા ઝોનના ડ્રેનેજ વિભાગના કર્મચારીને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાંથી સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ કરાયા હોવાની વિગતો મળી છે.