National

ઉત્તરાખંડની હોનારત માટે ૧૯૬પમાં હિમાલયમાં ખોવાઇ ગયેલું અણુશક્તિ સંચાલિત જાસૂસી સાધન જવાબદાર છે?

લગભગ બે સપ્તાહ પહેલા ઉત્તરાખંડના ચમૌલી વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાને કારણે જે ઘાતક હોનારત સર્જાઇ તેના કારણો હજી સ્પષ્ટ થયા નથી ત્યારે એક અટકળ એવી પણ ચાલે છે કે આ હોનારત માટે અણુશક્તિથી ચાલતું એક જાસૂસી સાધન જવાબદાર છે જે સાધન ૧૯૬પના સમયગાળામાં હિમાલયના પર્વતીય વિસ્તારમાં ખોવાઇ ગયું હતું અને અનેક પ્રયાસો છતાં હજી સુધી મળી શક્યું નથી.

ચીન સાથે ભારતની શત્રુતાના માહોલમાં ચીને ૧૯૬૪માં પોતાનો પ્રથમ અણુ ધડાકો કર્યો હતો. આના પછી ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા ભારત અને અમેરિકાએ સહકાર કર્યો હતો. ચીનની હરકતો, ખાસ કરીને તેના મિસાઇલો પર નજર રાખી શકાય તે માટે અમેરિકી જાસૂસી એજન્સી સીઆઇએ દ્વારા હિમાલયની પર્વતમાળામાં નંદાદેવી શિખર પર ભારતની ગુપ્તચર સંસ્થા આઇબીના સહકારથી ૧૯૬પમાં એક જાસૂસી ડિવાઇસ ગોઠવવાનું કામ હાથ ધરાયું હતું.

ઓકટોબર ૧૯૬પમાં આ સાધન ગોઠવવા માટે ભારત અને અમેરિકાના કેટલાક ક્લાઇમ્બરો નંદાદેવી પર્વત પર જવા રવાના થયા હતા. આ સાધન છ ફૂટ લાંબુ એન્ટેના, બે રેડિયો સંદેશવ્યવહાર સેટ, એક પાવર પેક અને સાત પ્લુટોનિયમ કેપ્સ્યુલો ધરાવતું હતું. દેખીતી રીતે દુર્ગમ પર્વતીય વિસ્તારમાં તેને વીજ પુરવઠો પ્લુટોનિમય સર્જીત અણુશક્તિથી પુરો પાડવાનું આયોજન હતું.

જો કે આ લોકો આ સાધન ગોઠવવા જઇ રહ્યા હતા તે જ સમયે તોફાન આવી જતાં તેમણે સાધન પર્વત પર જ છોડીને પાછા આવતા રહેવું પડ્યું હતું અને આ પ૭ કિલોગ્રામનું ડિવાઇસ પર્વતમાળામાં ગુમ થઇ ગયું હતું.

આ સાધનને શોધવા અનેક પ્રયાસો થયા છે પણ તે મળી શક્યું નથી. નંદાદેવી નજીકના વિસ્તારમાં વસતા કેટલાક લોકો માને છે કે આ સાધનને કારણે જ હાલ બરફ પીગળ્યો હોઇ શકે અને હોનારત સર્જાઇ હોઇ શકે. રૈની ગામના સરપંચ સંગ્રામ સિંહ કહે છે કે આ સાધનમાંની અણુ સામગ્રીની ગરમીથી જ બરફ અચાનક પીગળ્યો હોઇ શકે છે, નહીંતર શિયાળામાં બરફ કઇ રીતે પીગળે અને ગ્લેશિયર આ રીતે તૂટે? એક જાણકાર પર્વતારોહકે કહ્યું હતું કે આ સાધન હિરોશીમા પર ફેંકાયેલા અણુબોમ્બના અડધા કદ જેટલું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top