National

ચૂંટણી જાહેર થતાં જ સુરતના રાજકારણમાં સળવળાટ શરૂ

સુરત: સુરત મહાપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. અન્ય મહાપાલિકાની સાથે સુરત મહાપાલિકા માટે પણ આગામી તા.21મીના રોજ મતદાન થશે. સુરત મનપાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા સળવળાટ શરૂ કરી દેવાયો છે. ભાજપ દ્વારા મતદાર યાદીના પેજ પ્રમુખ બનાવવાની સાથે મોટાભાગની તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. હવે માત્ર નિરીક્ષકો દ્વારા ઉમેદવારોને સાંભળવાની ઔપચારિકતા પુરી કરવામાં આવશે.

બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોને સાંભળી લેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ જનસંપર્ક અભિયાન શરૂ કરી દેવાયું છે. આ વખતની મનપાની ચૂંટણીમાં ગત વખતનું જેવું પાટીદાર ફેકટર ગાયબ થઈ ગયું છે. તો બીજી તરફ પાટીદાર નેતાઓ આપમાં જોડાઈ ગયા હોવાથી આપ પાર્ટી ઈન થઈ ગઈ છે. આ ઉપરાંત ઔવેસીની પાર્ટી તેમજ એનસીપી માટે પણ તૈયારીઓ કરવામાં આવી હોવાથી એક મહિના માટે હવે સુરત રાજકીય રીતે સમરાંગણ સમાન બની જશે.

આજે ભાજપના નિરીક્ષકો દાવેદારોની રજૂઆતો સાંભળશે

આ વખતે મનપાની ચૂંટણીમાં તૈયારી માટે રાજકીય પક્ષોને એક મહિના કરતાં પણ ઓછો સમય આપવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપે દરેક મનપા માટે નિરીક્ષકોની યાદી જાહેર કરી દીધી છે અને આવતીકાલથી તા. 24 મી જાન્યુઆરીથી 26 મી જાન્યુઆરી સુધી સુરત મનપાના દાવેદારોને સાંભળવા ભાજપના નિરીક્ષકો શહેરમાં ધામા નાંખશે. દરેક ઝોન માટે નિરીક્ષકોના ત્રણ સભ્યની ટીમ નક્કી કરવામાં આવી છે.

જેમાં એક મહિલા અને બે પુરુષ નેતાઓ હશે. આ દરેક ટીમ વોર્ડવાઇઝ ઉમેદવારોની રજૂઆતો સાંભળશે અને મોવડી મંડળને રિપોર્ટ કરશે. આવતીકાલે જ ભાજપના નિરીક્ષકો ત્રણ દિવસ માટે શહેરમાં આવશે અને ઉધનાના ભાજપ કાર્યાલય, એલ.એચ રોડ પર પંચવટીની વાડી, ડભોલી એલ.પી સવાણી સ્કુલ, સીટીલાઈટ વિસ્તારમાં મહારાજા અગ્રસેન ભવન, યોગીચોક વિસ્તારમાં ધામેલીયા બ્રધર્સ, ગજાનંદ સોસાયટી, અડાજણમાં ચોક્સીની વાડી ખાતે દાવેદારોની રજૂઆતો સાંભળશે.

ભાજપે ઉમેદવારો માટે ફોર્મ વહેંચતા કાર્યાલય પર ઝપાઝપી મારામારીના દ્રશ્યો સર્જાયા

ભાજપ દ્વારા ઉમેદવારો માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવતા ફોર્મ લેવા માટે ટોળાઓ ઉમટી પડ્યા હતાં. છેલ્લા બે દિવસથી ભાજપના ઉધના સ્થિત કાર્યાલય પર દાવેદારોના ટોળા જોવા મળી રહ્યાં છે. ભીડ જમા થવાની સાથે ફોર્મ લેવા માટે ભાજપ કાર્યાલય પર ઝપાઝપી અને મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. ભીડ જમા થવાને કારણે કોરોનાની ગાઈડલાઈનનો પણ ભંગ થયો હતો. અત્યાર સુધીમાં ભાજપ કાર્યાલય પરથી કુલ 2700 જેટલા ફોર્મનું વિતરણ થયું છે. અને દરેક ઝોન પર 100 ફોર્મ આપવામાં આવ્યા છે.

ગત ચુંટણીમાં પાટીદાર ફેક્ટરને કારણે ભાજપે ઘણી સીટ ગુમાવી હતી

ગત વર્ષની ચુંટણીમાં પાટીદાર આંદોલનની અસર મોટા પ્રમાણમાં જોવા મળી હતી. પાટીદાર આંદોલના કારણે ભાજપના ઘણા વોર્ડમાં ગાબડા પડ્યા હતા. જેના કારણે કોંગ્રેસને સીધો ફાયદો થયો હતો. ગત વર્ષે કુલ 29 વોર્ડમાં 116 કોર્પોરેટરો પૈકી 36 સીટ કોંગ્રેસની તેમજ 80 સીટ ભાજપને મળી હતી. પરંતુ આ વર્ષે કોંગ્રેસ માટે ખાસ કોઈ મુદ્દો નથી.

છેલ્લા થોડા સમયથી આમ આદમી પાર્ટી પણ લાઈમલાઈટમાં રહી

શહેરમાં છેલ્લા થોડા સમયથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘણા લાઈમલાઈટમાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં સ્થાનિક ચુંટણી માટેની ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા થોડા સમયમાં ઘણા સક્રિય જોવા મળ્યા છે. જેનું નુકસાન ભાજપને કેટલું થાય છે તે તો ચુંટણીના પરિણામો પરથી જ જાણી શકાશે.

આ વખતે મનપામાં વધુ એક વોર્ડ ઉમેરાયો

સુરત શહેરના હદવિસ્તરણ થવાની સાથે જ વોર્ડની સંખ્યામાં પણ આ વખતે વધારો થયો છે. ગત વખતની ચુંટણીમાં સુરત મહાનગરપાલિકાના કુલ 29 વોર્ડ હતા. જેમાં આ વખતે એક નવા વોર્ડનો સમાવેશ કરાયો છે. વોર્ડ નં. 3- કનસાડ-સચિન-ઉન-આભવાનો સમાવેશ કરાયો છે. જેમાં અત્યારસુધીની મતદારયાદી પ્રમાણે કુલ 92,783 મતદારો નોંધાયા છે.

મનપા દ્વારા ફાઈનલ મતદારયાદી 25 મી તારીખે જાહેર થશે

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખો શનિવારે સાંજે જાહેર કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની ચુંટણી પણ 21 મી ફેબ્રુઆરીએ યોજાશે. જે માટેની ફાઈનલ મતદારયાદી હજી જાહેર કરાઈ નથી. અગાઉ મનપા દ્વારા મતદારયાદી જાહેર કરવામાં આવી હતી. જે પ્રમાણે શહેરમાં કુલ 31,77,565 મતદારો નોંધાયા હતા. જેમાં 17,58,073 પુરૂષો, 14,19,386 સ્ત્રીઓ અને 106 ત્રીજી જાતિના નોંધાયા હતા. પરંતુ હજી ફાઈનલ મતદારયાદી 25 મી જાન્યુઆરીએ જાહેર કરાશે તેમ જાણવામાં આવ્યું છે.

ગત ટર્મમાં કોંગ્રેસ પાસે 36 અને ભાજપ પાસે 80 બેઠકો હતી

અગાઉ જ્યારે સને 2015માં સુરત મહાપાલિકાની ચૂંટણી થઈ ત્યારે ભૂતકાળના બે દાયકામાં સૌથી વધુ બેઠકો કોંગ્રેસને મળી હતી. સુરત મહાપાલિકાના કુલ 29 વોર્ડમાં 116 કોર્પોરેટરની બેઠક માટે મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસને 36 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 80 બેઠકો મળી હતી. ભાજપને બહુમતિ કરતાં પણ વધારે બેઠકો હોવાથી ભાજપનું શાસન પાંચ વર્ષ રહ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top