ઉત્તર ધ્રુવની નજીક આવેલા યુરોપીયન દેશ આઇસલેન્ડમાં એક જ્વાળામુખી લગભગ નવ સદી સુધી શાંત રહ્યા બાદ ગઇ રાત્રે અચાનક ફાટતા લોકોમાં દહેશત ફેલાઇ હતી, સત્તાવાળાઓ દોડતા થઇ ગયા હતા અને તે સાથે આ જ્વાળામુખી ફાટવાને કારણે રાત્રીના ઘેરા આકાશમાં સુંદર દ્રશ્યો પણ સર્જાયા હતા.
આઇસલેન્ડની રાજધાની રેક્જાવિકથી માત્ર ૨પ કિલોમીટર દૂર આવેલા ફાગ્રાડાલ્સજેલ પર્વત નજીક આવેલ આ સુષુપ્ત જવાળામુખી સ્થાનિક સમય પ્રમાણે રાત્રે પોણા દસ વાગ્યાના સુમારે ધડાકા સાથે ફાટ્યો હતો. તે સાથે જ રાખ અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડવા લાગ્યા હતા અને લાવારસ પર્વત પરથી નીચે ઢોળાવા લાગ્યો હતો.
સદભાગ્યે આ જ્વાળામુખીની આસપાસ કોઇ વસ્તી નથી તેથી જાનહાનિ કે નુકસાનનો કોઇ ભય નથી તેમ છતાં પૂર્વ સાવચેતીના પગલાઓ ભરવા પોલીસ અને કોસ્ટ ગાર્ડ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ પર્વતથી થોડે દૂર બ્લૂ લગૂન જીઓથર્મલ સ્પા છે જ્યાં પર્યટકો આવતા હોય છે, જે સ્થળે હાલ જવા લોકોને મનાઇ ફરમાવી દેવાઇ છે.
લોકોને હાલ આ વિસ્તારથી દૂર રહેવા સલાહ અપાઇ છે. જ્વાળામુખી ફાટવાને કારણે તેમાંથી ઉઠતા ભૂરા રંગના ધુમાડા અને લાલ જ્વાળાઓને કારણે રાત્રીના આકાશમાં સુંદર દ્રશ્યો સર્જાયા હતા. કોસ્ટ ગાર્ડના એક હેલિકોપ્ટર દ્વારા લેવાયેલી તસવીરોમાં ભભૂકતા જ્વાળામુખીને કારણે સર્જાયેલા સુંદર દ્રશ્યો જોઇ શકાય છે.