કોવિડ-19ના કહેર (CORONA PANDEMIC) વચ્ચે વેસ્ટર્ન રેલવેના મુંબઇ ડિવિઝને ખાસ કરીને વાપીથી વડોદરા વચ્ચે દોડતી લોકલ ટ્રેન બંધ કરી દીધી છે. બે લાખ લોકો છેલ્લા છ મહિનાથી રોજિંદી નોકરીમાં કે વ્યાપારમાં ગંભીર ઇફેક્ટ (SERIOUS EFFECT) થઇ છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારના સત્તાધીશો અને રાજકીય આગેવાનોએ મુંબઇની નેવું ટકા સબર્બન ટ્રેન ચાલુ કરાવી દીધી છે. જ્યારે સુરત ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રાજકીય સત્તાધીશો બે લાખ ડેઇલી અપ-ડાઉન (UP DOWN) કરતા લોકો માટે લાપરવાહ છે. સત્તા પર ચીટકી ગયેલા આ નપાવટ સત્તાધીશો અપ-ડાઉન કરતા લોકો માટે એક ટ્રેન શરૂ કરાવી શક્યા નથી. આમ, દક્ષિણ ગુજરાતમાં ઝેડઆરયુસીસી મેમ્બર હોય કે પછી સાંસદ હોય કોઇનું કાંઇ ઉપજી રહ્યું નથી. અથવા તેઓ દ્વારા હજારો હેરાન થતા લોકો સામે તસદી પણ લેવામાં આવી રહી નથી. મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વેસ્ટર્ન રેલવેને સો કરતા વધારે વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ વેસ્ટર્ન રેલવે હંમેશાંની જેમ ગુજરાત સાથે ઓરમાયું વર્તન દાખવી રહી છે અને કોઇ નિર્ણય લેવાઇ રહ્યો નથી.
હાલમાં કોવિડ જ્યારે દ.ગુજરાતમાં કાબૂમાં આવી ચૂક્યો છે. તેમ છતાં દ.ગુજરાતમાં પેસેન્જર અને અપ-ડાઉન ટ્રેનો હજુ સુધી ચાલુ કરવામાં આવી રહી નથી. હવે દક્ષિણ ગુજરાતના ઝેડઆરયુસીસી મેમ્બરનું કાંઇ ઉપજતું નથી. તેનો સૌથી મોટો પુરાવો એ છે કે, મુંબઇમાં 1300માંથી 1200 લોકલ સબર્બન ટ્રેન શરૂ થઇ ચૂકી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં રજૂઆતોના દોર પછી કાંઇ ઉપજતું નથી. આ તમામમાં વેસ્ટર્ન રેલવે આ દડો રાજ્ય સરકાર (STATE GOVT) પર છોડી રહી છે કે, રાજ્ય સરકાર ધારે તો અમે ચાલુ કરીએ. પરંતુ વેસ્ટર્ન રેલવે અને રાજ્ય સરકાર વચ્ચે કોઇ નિર્ણય લેવાઇ રહ્યો નથી. તેમાં બે લાખ ડેઇલી પેસેન્જરોનો મરો થઇ રહ્યો છે. પરંતુ વાપીથી વડોદરા વચ્ચે દોડતી 50 જેટલી લોકલ ટ્રેન વેસ્ટર્ન રેલવે (WESTERN RAILWAY)નું મુંબઇ ડિવિઝન શરૂ કરતી નથી. આ અગાઉ રોજિંદા મુસાફરોનાં સંગઠનો દ્વારા પણ રજૂઆત કરાઇ હોવા છતાં મુંબઇ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ લોકલ ટ્રેનો શરૂ કરવાનું વિચારી રહ્યા નથી. વાપીથી વડોદરા વચ્ચે અંદાજે બે લાખ રોજિંદા મુસાફરો પ્રવાસ કરે છે. તેને લોકલ ટ્રેન ચાલુ નહીં થવાથી સીધી અસર પહોંચી છે.
અગાઉ કલેક્ટર અને રેલવેના ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરાઈ છે
વાપીના એક રોજિંદા મુસાફર ડેનીસ સાવલેએ જણાવ્યું હતું કે, વાપીથી વડોદરા વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવા માટે અનેકવાર કલેક્ટર, રેલવેના એઆરએમ તથા મુંબઇ ડિવિઝન (MUMBAI DIVISION)ના ડીઆરએમને રજૂઆત કરવામાં આવી રહી છે. તેમ છતાં અત્યાર સુધી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી નથી. આ મામલે પેસેન્જર એસો. દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે.
વાહન અકસ્માતમાં 25થી 30 લોકોને ગંભીર ઇજા પહોંચી
લોકડાઉન બાદ રેલવે તંત્ર દ્વારા લોકલ ટ્રેન સેવા શરૂ નહીં કરાતાં તેની સીધી અસર રોજિંદા મુસાફર (DAILY PASSENGER)ને થઇ રહી છે. રેલવેએ ટ્રેન સેવા શરૂ નહીં કરતાં તેના કારણે રોજિંદા મુસાફરો રોડ માર્ગે નોકરી-ધંધા પર જઇ રહ્યા છે. જેના કારણે અકસ્માત થવાની પણ શક્યતા રહે છે. અત્યાર સુધી 500 જેટલા લોકોને વાહન અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી છે.
લોકો ખાનગી વાહનોમાં પરસેવાની મૂડી વહેવડાવી રહ્યા છે
સ્મીમેર હોસ્પિટલની એક નર્સે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંય વર્ષોથી નવસારીથી સુરત અપ-ડાઉન કરી સ્મીમેરમાં નોકરી કરવા માટે આવું છું. ટ્રેનમાં આવવા માટે મહિનાનો 190 રૂપિયાનો પાસ (PASSENGER PASS) કઢાવવો પડતો હતો અને 190માં આખો મહિનો મુસાફરી કરવામાં આવતી હતી. પરંતુ હવે લોકલ ટ્રેન સેવા બંધ રહેતાં હવે રોડ માર્ગે નોકરી પર કાર કે પછી એક્ટિવા પર આવવું પડે છે અને તે પેટે દર મહિને 3500 રૂપિયા ચૂકવવા પડે છે. હજારો લોકો હાલમાં હાઇવે મારફત પોતાના ખાનગી વાહનોમાં મજબૂરીવશ અપ-ડાઉન કરી રહ્યા છે.
ઝેડઆરયુસીસી મેમ્બર અવાજ ઉઠાવતા પણ ડરે છે
આ મામલે અમે ઝેડઆરયુસીસી મેમ્બરોનો સંપર્ક કર્યો તો તેઓએ જણાવ્યું કે, અમારે ટિકિટ લેવાની છે. અમે કોઇ નિવેદન આપીશું તો અમારી રાજકીય કારકિર્દી ખતમ થઇ જશે. આ મામલે અમારું નામ નહીં લખતા. હાલમાં ચાર ઝેડઆરયુસીસી (ZRUCC) મેબ્બર અને છ ડીઆરયુસીસી મેમ્બર હોવા છતાં ખુલ્લા અવાજે હજારો પેસેન્જરો માટે કોઇ બોલનાર નથી.
સાંસદ સીઆર પાટીલનો સંપર્ક નહીં થતાં પ્રતિક્રિયા મળી શકી નહીં
આ મામલે પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલનો સંપર્ક કર્યો તો તેઓનો ટેલિફોનીક સંપર્ક સાધી શકાયો ન હતો.
આ મામલે અમને કોઈએ જાણ કરી નથી: સાંસદ દર્શના જરદોશ
સાંસદ દર્શના જરદોશે જણાવ્યું કે, અમને આ મામલે કોઇએ જાણ કરી નથી. આ મામલાને અમે ગંભીરતાથી લઇશું.