મુંબઈ: મુંબઈના (Mumbai) મલાડ (Malad) વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે. અહીંથી 90 ફૂટ લાંબો એક આખે આખો લોખંડનો પુલ ચોરાઈ (Iron Bridge Stolen) ગયો છે. 6000 કિલોનું વજન ધરાવતો આ પુલ ચોરાઈ જતા પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ હતી. પુલની આસપાસ કોઈ સીસીટીવી ફૂટેજ નહીં હોય આ પુલની ચોરીનો ભેદ ઉકેલવું પોલીસ માટે કપરું થઈ ગયું હતું. જોકે, બાદમાં મુંબઈ પોલીસે એક તરકીબ અજમાવી અને 4 ચોરને પકડી લીધા હતા.
મુંબઈના મલાડમાં અદાણી કંપની દ્વારા બનાવેલા 6,000 કિલો વજનના લોખંડના પુલની ચોરીનો મામલો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. બાંગુર નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, અદાણી કંપની દ્વારા મલાડ (વેસ્ટ)માં મોટા વીજળીના તારને ટ્રાન્સફર કરવા માટે 90 ફૂટ લાંબો લોખંડનો અસ્થાયી પુલ મૂકવામાં આવ્યો હતો. અહીંના ડ્રેનેજ પર કાયમી પુલ બન્યા બાદ તે લોખંડનો અસ્થાયી પુલ બીજા વિસ્તારમાં ખસેડવામાં આવ્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે, જો કે, અસ્થાયી પુલ 26 જૂને અચાનક ગુમ થઈ ગયો હતો. આ અંગે વીજ કંપની દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 90 ફૂટ લાંબો અને 6000 કિલો વજન ધરાવતો લોખંડનો પુલ ચોરાયો હોવાની ફરિયાદ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી.
મુંબઈ પોલીસે આ રીતે ચોરોને પકડ્યા
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ પુલ છેલ્લે 6 જૂને તેની જગ્યાએ જોવા મળ્યો હતો. સ્થળ પર કોઈ સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા સર્વેલન્સ કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા અને 11 જૂને એક મોટું વાહન પુલની દિશામાં જતું જોવા મળ્યું હતું. આ ભારે વાહનમાં ગેસ કટીંગના મશીનો હતો. જે લોખંડનો પુલ કાપવા માટે ઉપયોગમાં લેવાયા હતા.
સીસીટીવી ફૂટેજમાં ભારે વાહન દેખાયા બાદ પોલીસે તે દિશામાં તપાસ આગળ વધારી હતી. દરમિયાન પોલીસની એક ટીમ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી અદાણી કંપનીના કર્મચારીઓની પણ પૂછપરછ કરી રહી હતી. પોલીસે જણાવ્યું કે કંપનીના કર્મચારીઓએ જ આ ચોરી કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. કંપનીના કર્મચારીએ ત્રણ સાગરિતોની મદદથી આ ચોરીને અંજામ આપ્યો હતો. આ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ચોરાયેલો પુલ કબ્જે લેવામાં આવ્યો છે. ચારેયને જેલમાં ધકેલી દેવાયા છે.