SURAT

પુણાના 9 વર્ષના બાળકના અંગોનું દાન: 6 વ્યક્તિઓને નવજીવન મળશે

સુરત: પુણા ગામના અંટાળા પરિવારે પોતાના એકના એક ધોરણ-4માં અભ્યાસ કરતા માત્ર 9 વર્ષના બ્રેઈનડેડ બાળકના 6 અંગોનું દાન કરતાં 6 દર્દીઓને નવજીવન મળ્યું છે. ફેફસા એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ તેમજ લીવર અને કિડની કે. ડી. હોસ્પિટલ- અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં સુરતના પુણા ગામ, યોગીચોક પાસે યોગીદર્શન સોસાયટીમાં રહેતા રત્નકલાકાર નયનભાઈ અંટાળા મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની છે. તેમને સંતાનમાં એકનો એક ૯ વર્ષીય પુત્ર આરવ હતો. 19મી એપ્રિલના રોજ રમતા-રમતા આરવને માથાના ભાગે ઈજા થઈ હતી.

જેથી પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે કામરેજની વાત્સલ્ય હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ફરજ પરના ડો.હિતેષ કલસરિયાએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની ઈજાની ગંભીરતા સમજી સીમાડા ખાતે આવેલી એઈમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રિફર કર્યા હતા.

અહીં ન્યુરોસર્જન તબીબોની ટીમના ડો.મૌલિક પટેલ, ડો.દિપેશ કક્કડ, ડો.હિતેષ ચિત્રોડાએ સારવાર શરૂ કરી. તેમણે બાળકનો જીવ બચાવવા આઈ.સી.યુ.માં ખસેડી તાત્કાલિક બ્રેઈન ઓપરેશન કર્યું. ન્યુરોસર્જન, આઈ.સી.યુ. તબીબી ટીમની મહેનત છતાં આરવની તબિયતમાં કોઈ સુધારો થયો નહતો.

ત્રણ દિવસ બાદ આરવને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં પરિવાર દ્વારા આરવના અંગદાનની સંમતિ આપતા ફેફસા, લીવર અને કિડની સહિત 6 અંગોનું દાન કર્યું હતું. જેમાં ફેફસા એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ તેમજ લીવર અને કિડની કે.ડી.હોસ્પિટલ- અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. વડોદરા સુરત શહેર પોલીસ, ટ્રાફિકના અધિકારીઓ, પોલીસકર્મીઓએ અંગો લઈ જવા બે-બે ગ્રીન કોરિડોર બનાવી ઉમદા સહયોગ આપ્યો હતો.

Most Popular

To Top