વડોદરા: વડોદરામાં ગત રાત્રે હરણી પોલીસ મથકની હદમાં 9 જેટલા યુવક-યુવતિઓ બર્થડે પાર્ટીમાં દારૂની પાર્ટી કરતા હોવાની બાતમી મળતા પોલીસ પહોંચી હતી. પોલીસે સ્થળ પર કાર્યવાહી દરમિયાન 9 જેટલા યુવક-યુવતિઓ મળી આવ્યા હતા. હરણી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ અમિત વાલસિંગભાઇએ નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગતરાત્રે અંગત બાતમીદાર દ્વારા માહિતી મળતા પોલીસે શિવકૃપા રેસીડેન્સી, સિગ્નેશ સ્કુલના ખાંચામાં દારૂની મહેફિલ ચાલતી હોવા અંગે જાણ થઇ હતી. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી દરવાજુ ખોલતા અંદરથી બંધ હતુ.
જેથી ડોર બેલ વગાડતા એક યુવક બહાર આવ્યો અને દરવાજુ ખોલી અંદર જોતા સોફા પર યુવક-યુવતીઓ દારૂની મહેફીલ માણતા નજર પડ્યાં હતા. જેથી પોલીસે તમામને પોતાની જગ્યાએ બેસી રહેવા જણાવી તપાસ કરતા ઘરમાં મકાનના બેઠક રૂમમાં ટેબલ પર દારૂની બોટલો, પ્લાસ્ટીકના ગ્લાસ, કોલ્ડ્રીંક્સ મળી આવી હતી. દારૂની મહેફીલ માણી રહેલા નબીરાઓને મકાન માલિક અંગે પુછતા મકાન મિતલબેન નિરવભાઇ પટેલનુ હોવાનુ જાણવા મળ્યું હતુ.
જેથી પોલીસે મકાનમાં દારૂની મહેફીલ માણી રહેલા પાંચ યુવક અને ચાર યુવતીઓની દારૂ પીધેલી હાલતમાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર કાર્યવાહીમાં જયકુમાર પ્રવિણભાઇ કહાર (દાંડિયાબજાર), રિતેશકુમાર શંકરભાઇ કહાર (દંતેશ્વર), અભિષેક દિનેશભાઇ નિકમ (સોમા તળાવ), ઇશાન સુભાષકુમાર પટેલ (સાવલી) અને ભાવિનકુમાર હરેશભાઇ સોલંકી (ચોખંડી) સામે પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહીમાં 12 નંગ બિયર સહિત વોડકાની ભરેલી અને ખાલી બોટલો જપ્ત કરવામાં આવી છે. તથા કુલ મળીને રૂ. 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે, દારૂની પાર્ટી કરતા પોલીસે 9 લોકોને ઝડપી પાડ્યાં હતા.
ચાર યુવતીઓ એ પણ શરાબ પીધો હતો
શરાબ ની મેહીફલમાં યુવતીઓએ દારૂ પીધો હતો કે કેમ ? હરણી પોલીસ અધિકારી એ જવાબ આપ્યો હતો કે, હાં તેમને પણ દારૂ પીધો હતો. બીજો સવાલ હતો કે, જો યુવતીઓએ દારૂ પીધો હતો તો એફ.આઇ.આરમાં તેમના નામ કેમ નથી ? આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, યુવતીઓના નામ જાહેર કરવા યોગ્ય નથી, પછી તેમણે જણાવ્યું કે, તે સમયે તેમનુ મેડિકલ બાકી હતું પણ ફરીયાદમાં નામ લીધેલા છે. તેમણે વાત કરતા એમ પણ જણાવ્યું કે તમામની અટકાયત પણ કરવામાં આવી છે. જેની બર્થ ડે હતી તે યુવતિ 18 વર્ષની હતી, જ્યારે અન્યોની ઉંમર 24 ની આસપાસ હતી.
– સી.બી ટંડેલ પીઆઇ, હરણી