આણંદ : અમદાવાદના કોઠ પોલીસ હદમાં ગુંદી ગામ પાસે મધરાતે બસમાં પિસ્તોલની અણીએ રૂ.2.75 કરોડના હિરાની લૂંટ ચલાવી હતી. આ લૂંટારૂં ગેંગ મધરાતે મહેળાવ પોલીસે લૂંટના હિરાના ભાગ પાડતાં હતાં તે સમયે આણંદ જિલ્લાની પોલીસની ટીમે ત્રાટકી 9 શખસને પકડી પાડ્યાં હતાં. જોકે, અંધારાનો લાભ લઇ કેટલાક ભાગી ગયાં હતાં. અમરેલીથી સુરત જતી રામદેવ ટ્રાવેલ્સમાં ગુજરાત આંગડીયા તેમજ અક્ષર આંગડીયાના ચાર કર્મચારીને હથિયાર બતાવી રૂ.2.75 કરોડના હિરાની સનસનાટીભરી લૂંટ થયાનો બનાવ બન્યો હતો.
અમરેલીથી રામદેવ ટ્રાવેલ્સની બસ ઉપડી તે સમયે લૂંટારૂ ગેંગના 11 જેટલા સભ્યો હથિયાર સાથે પહેલેથી જ બસમાં મુસાફર તરીકે બેસી ગયાં હતાં. બાદમાં કોઠ પોલીસ સ્ટેશનની હદમાં ગુંદી ગામ પાસે મધરાતે 2 વાગ્યાની આસપાસ તેઓએ પ્રથમ બસના ચાલકને પિસ્તોલ બતાવી બસને રોકાવી હતી. બાદમાં આંગડીયાના કર્મચારીને પિસ્તોલ બતાવી રૂ.2.75 કરોડના હિરાની સનસનાટી ભરી લૂંટ કરી પોતાની ગાડીમાં ભાગી ગયાં હતાં. આ ઘટનાની ગંભીરતાના પગલે પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશંકર દ્વારા અમદાવાદ ગ્રામ્ય, ખેડા તેમજ આણંદ જિલ્લામાં તાત્કાલીક નાકાબંધીનો આદેશ આપ્યો હતો.
આ આદેશના પગલે આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવિણકુમાર, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવાના માર્ગદર્શન હેઠળ આણંદ સ્થાનિક ગુના શોધક શાખા સહિત વિવિધ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધવામાં આવ્યું હતું. દરમિયાનમાં મહેળાવ પોલીસે લૂંટારૂં ગેંગ હિરાના ભાગ પાડતી નજરે પડી હતી. આથી, તુરંત આ વિસ્તારને કોર્ડન કરી છાપો માર્યો હતો. પરંતુ અંધારામાં પોલીસ અને લૂંટારૂ ગેંગ વચ્ચે ઝપાઝપીના અંતે નવને પકડી પાડવામાં સફળતા મળી હતી.
આ તમામ પાસેથી પોલીસે રૂ.2.75 કરોડના હિરા કબજે કર્યાં હતાં. જ્યારે કેટલાક શખસ ભાગી ગયાં હતાં. આ દરોડામાં પોલીસે નવ શખસ ઉપરાંત ચાર ગાડી, બે પિસ્તોલ, એક દેશી કટ્ટો, મરચાની ભુક્કી, સેલોટેપ, હાથના ગ્લ્બસ, કાળા કલરના માસ્ક, મોબાઇલ વિગેરે કબજે કર્યાં હતાં. એલસીબીએ પકડાયેલા શખસોની પૂછપરછ કરતાં રામદેવ ટ્રાવેલ્સમાં અગાઉ મુનીમ તરીકે નોકરી કરતા અને લૂંટના માસ્ટર માઇન્ડ હિરેન (રહે.સુરત) દ્વારા મહારાષ્ટ્ર, માલેગાંવ તથા નાસીકથી માણસો બોલાવી ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં હજુ કુલ છ શખસ ફરાર છે. જેમને પકડવા તજવીજ હાથ હાથ ધરી છે.
મહેળાવના સુણાવ પાસે ખેતરની ઓરડીમાં ભાગ પાડવા ભેગા થયા હતા
ગુંદી ગામ પાસે લૂંટને અંજામ આપ્યા બાદ મહેળાવ પાસે આવેલા સુણાવ ગામ પાસે ભાગ પાડવા માટે ભેગા થયાં હતાં. તે બાબત મહેળાવ પોલીસના ધ્યાને આવી હતી. બાદમાં એલસીબીની મદદથી સમગ્ર વિસ્તાર કોર્ડન કરી છાપો માર્યો હતો.
માઇસ્ટર માઇન્ડની સુરતથી ધરપકડ કરવામાં આવી
અમરેલીની જે ટ્રાવેલ્સમાં લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. તે ટ્રાવેલ્સમાં પહેલા મુનિમ તરીકે હિરેન (રહે.સુરત) નોકરી કરતો હતો. પરંતુ તેણે નોકરી છોડી દીધી હતી. બાદમાં તેણે મહારાષ્ટ્ર, માલેગાંવ તથા નાસીકથી માણસો બોલાવી લૂંટને અંજામ આપ્યો હતો. હાલ સુરત પોલીસે તેને પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
- લૂંટમાં પકડાયેલા આરોપીઓ
સાગર ભાલચંદ્ર સૂર્યવંશી (ઉ.વ.32, રહે. ગજેન્દ્ર કોમ્પ્લેક્સ, માલેગાંવ, નાસિક). - ગૌત્તમ સંભાજી ગૌલી (ઉ.વ.21, રહે. સાઉતા, સંગમેશ્વર, માલેગાંવ, નાસિક)
- ધર્મેશ બળવંત કાતરીયા (ઉ.વ.29, રહે. સ્મીત રો હાઉસ, પર્વતગામ, સુરત. મુળ રહે. ભાદ્રોડ, ભરવાડ શેરી, મહુવા).
- યોગેશ વસંત પવાર (ઉ.વ.33, રહે. માલેગાંવ, નિસર્ગ હોટલ પાસે, નાસીક)
- સંતોષ લહાનુ લામતે (ઉ.વ.38, રહે. વાડીવારા, તા.ઇગતપુરી, જિ. નાસીક)
- સોનુ લહાનુ કટારે (ઉ.વ.25, રહે. ગંગાપુર, ગોવર્ધન, તા. નાસીક)
- બાવુસાહેબ બાજીરાવ મથુરે (ઉ.વ.31, વાડીયારા, વનજારવલી, તા.ઇગતપુરી, જિ. નાસીક)
- વિવેક ભીકન પરદેશી (ઉ.વ.22, માલેગાંવ, સંગમેશ્વર, મોતીબાગ નાકા, જિ. નાસીક)
- ગનેશ રાજેન્દ્ર વડગે (ઉ.વ.21, રહે. માલેગાવ, સાઉતા ચોક, સંગમેશ્વર, નાસીક)