પલસાણા: પલસાણાના ચલથાણ ગામે સુરત-ભુસાવલ રેલવે ટ્રેકના ગરનાળા નજીક ફાર્મ હાઉસમાં રાત્રિ દરમિયાન સુરત, ભાવનગર અને બારડોલીના 9 જેટલા નબીરા શરાબ અને શબાબની મહેફિલ માણી રહ્યાં હતાં. ત્યારે પોલીસે દરોડા પાડતાં નબીરાના રંગમાં ભંગ પડ્યો હતો. એક વિદેશી સહિત ત્રણ મહિલા સાથે 9 નબીરા ઝડપાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના મોટા વરાછાના નંદચોક નજીક આવેલા ટ્વીન્સ ટાવરમાં રહેતા પંકજ ઓધવજી લાઠિયા (ઉં.વ.29)ના ભાઈનો લગ્નપ્રસંગ હોવાથી તેમણે તેના મિત્ર અલ્પેશભાઈ (રહે., મોટા વરાછા, શિવધારા સોસાયટી)ની મદદથી ચલથાણ ગામે પરબતભાઈ ભૂરજીભાઈ કાછડિયાનું ફાર્મ હાઉસ ભાડેથી રાખ્યું હતું. આ ફાર્મ હાઉસમાં તેના મિત્ર તથા સગા સંબંધીને રોકાવાની વ્યવસ્થા કરી હતી. અહીં પંકજ ભાવનગર, સુરત, બારડોલી વિસ્તારમાંથી આવેલા તેના 9 મિત્ર સાથે શરાબ અને શબાબની મહેફિલ માણી રહ્યો હોવાની માહિતી કડોદરા પોલીસને મળતાં પોલીસે દરોડા પાડતાં એક વિદેશી થાઈ મહિલા અને બે સ્થાનિક મહિલા મળી 3 મહિલા અને 9 જેટલા યુવાન દારૂ-શબાબની મહેફિલ માણી રહ્યાં હતાં. પોલીસે સ્થળ ઉપરથી અલગ અલગ બ્રાંડની ત્રણ વિદેશી દારૂની બોટલ, 3 નંગ બિયર સાથે 9 આરોપીની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપી
અમન રઝાક શેખ (રહે., ઝાંપા બજાર, તૈયબી મહોલ્લો, બુરહાની હોસ્પિટલની ગલીમાં, બુરહાની પેલેસ, સુરત), પંકજ ઓધવજી લાઠિયા (રહે., બી વિંગ ટ્વિન્સ ટાવર, નંદચોક, મોટા વરાછા, સુરત, મૂળ રહે., ભીંગરાડ, તા.લાઠી, અમરેલી), આશીષ રાણાભાઈ ખમ્મર (રહે., મોહનદીપ સોસાયટી, કતારગામ, સુરત, મૂળ-ડેરીપીપરિયા, તા.બગસરા, અમરેલી), કલ્પેશ નરસિંહ નાયાણી (રહે., બ્રહ્મલોક રેસિડેન્સી, ડભોલી, સુરત, મૂળ રહે., દરેડ, તા.વલ્લભીપુર, જિ.ભાવનગર), મેહુલ ભગવતીકુમાર શર્મા (રહે., માઈલ સ્ટોન કોમ્પ્લેક્સ, ગાંધી રોડ, બારડોલી), કશ્યપ દુષ્યંતભાઈ પટેલ (રહે., જનતાનગર, સ્ટેશન રોડ, બારડોલી), ઝુબેર નિઝામભાઈ બેલીમ (રહે., ચાણક્યપુરી સોસાયટી, અલ્તાફભાઈ બિલ્ડિંગમાં, બારડોલી, મૂળ-ભાવનગર, રૂવાપરી રોડ), ઈરફાન અબ્દુલ કુરેશી (રહે., ઈન્ડિયા હાઉસ, જોગીવાડની ટાંકી પાસે, ભાવનગર) અને ઉરેશ રઝાકભાઈ ઈન્ડોરવાલા (રહે., ભાવનગર, શિશુવિહાર સર્કલ, સ્ટાર્સ રેસિડેન્સી)
