આણંદ : “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 18મી જૂનના રોજ વડોદરા ખાતે ઉપસ્થિત રહીને આણંદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લા સહિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાણી-પુરવઠા, ઊર્જા, માર્ગ-મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગો દ્વારા નિર્માણ પામેલ કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન-ખાતમુહૂર્ત કરશે. જેમાં બોરસદના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઇ-લોકાર્પણ કરશે. આ પ્લાન્ટ કાર્યરત થતાં બોરસદમાં દરરોજ 9.80 એમએલડી પાણી શુદ્ધ થશે.
બોરસદ શહેરની સ્વચ્છતા – સુખાકારીમાં વધારો થાય તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂા.17.24 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વડોદરા ખાતેથી ઇ-લોકાર્પણ કરશે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા બોરસદ નગરપાલિકા વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલા આ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નગરના ગંદા પાણીના જથ્થાના શુધ્ધિકરણ સાથે તે પાણીનો યોગ્ય નિકાલ થશે.
જેના કારણે ઉમરેઠ નગરની સ્વચ્છતા તથા જાહેર સુખાકારીમાં વધારો થવાની સાથે શુધ્ધિકરણ થયેલું સીવરનું પાણી અને ઘન કચરાને ખેતી તેમજ ઉદ્યોગમાં વપરાશના હેતુ માટે પુન: ઉપયોગમાં લઇ શકાશે. આ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 9.80 એમએલડી ક્ષમતા સાથેનો ઓપન ટેકનોલોજી વીથ બાયોલોજીકલ ન્યુટ્રીઅન્ટ રીમુવલ સાથેનો છે. જેમાં કંપાઉન્ડ વોલ, રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, એફલુએન્ટ ડીસ્પોઝલ પાઇપલાઇન અને પંપીંગ મશીનરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાકાર થતાં શહેરના અંદાજે 77 હજારથી વધુ નાગરિકોને તેનો સીધો લાભ મળવાની સાથે શહેરની સ્વચ્છતામાં પણ વધારો થશે.