ગુજરાત શિક્ષણ બોર્ડે ધીરે ધીરે શાળાઓ ઓપન કર્યા બાદ હવે ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે આગામી બે માર્ચથી ચાર માર્ચ દરમિયાન એકમ કસોટી લેવા જાહેરાત કરી છે.
ગુજરાત શિક્ષણ બોડે અગાઉ ધોરણ 9થી 12માં સત્રાંત અને વાર્ષિક પરીક્ષા એકસમાન ધોરણે યોજવા જાહેરાત કર્યા બાદ દરેક જિલ્લાના ડીઇઓને એકમ કસોટી માટે તારીખો આપી છે. જે મુજબ આગામી સાતમી એકમ કસોટી આગામી 2થી4 માર્ચ વચ્ચે યોજાશે. બોર્ડે એવી પણ સૂચનાઓ મોકલી છે કે જે બાળકો સ્કૂલ એજયુકેશન માટે નથી આવતા, તેમના માટે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવવી પડશે. જે બાળકો સ્કૂલ નથી જવા માંગતા તેમને માટે સોશિયલ મીડિયા કે ઘરે પેપર પહોંચાડવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે બોર્ડે ઓનલાઇન એજયુકેશન ચાલુ કર્યા બાદ ખરેખર બાળકોની તેની વાસ્તવિક સમજ મળે છે કે કે તે ચકાસવા માટે એકમ કસોટી ચાલુ કરવામાં આવી છે. એકમ કસોટી માટે જે બાળકો ઘરેથી પરીક્ષા આપનાર છે, તેમને સવારે અગિયાર વાગ્યા સુધી પેપર મોકલી દેવાશે. તે ઉપરાંત એકમ કસોટી પતી ગયા પછી આન્સરશીટ સ્કૂલ ઓથોરિટીને પહોંચાડવાની રહેશે તેની જવાબદારી વાલીના શીરે નાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એકમ કસોટીમાં ધોરણ-9માં ગણિત તેમજ વિજ્ઞાન અને ધોરણ-10માં ગુજરાતી તેમજ સામાજિક વિજ્ઞાન, ધોરણ-11 તથા ધોરણ-12માં અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ર અને મનોવિજ્ઞાન સહિત ધોરણ-12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાન સહિતના વિષયની એકમ કસોટી યોજાશે.
ધોરણ-3થી 8ની એકમ કસોટી આગામી 25થી 27 ફેબુઆરીએ લેવાશે
ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ-9થી 12 માટે સ્કૂલ ઓપન કર્યા બાદ હવે જે ધોરણના કલાસ બંધ છે અને તેઓ ઘરેથી શિક્ષણ મેળવી રહ્યાં છે. તેવા ધોરણ-3થી 8ના બાળકો માટે પણ એકમ કસોટી જાહેર કરી છે. આ એકમ કસોટી આગામી 25થી 27 ફેબુઆરી વચ્ચે યોજાશે. વિષયવાર વાત કરીએ તો ધોરણ-3માં ગુજરાતી પ્રથમ ભાષા અને ગણિત તેમજ ધોરણ-4 અને 5માં અંગ્રેજી હિન્દી સહિત ધોરણ-6થી 8માં અંગ્રેજી અને હિન્દી સહિત સંસ્કૃતની કસોટી યોજાશે.