પહેલગામ માં આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા છે અને વહેલી તકે દેશ છોડી જવા આદેશ કર્યો છે જેના પગલે અમદાવાદ પોલીસ દ્વારા શુક્રવારે રાત્રે કોમ્બિગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 400 જેટલા વિદેશી નાગરિકો ને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાંથી મોટા ભાગના ગેરકાયદે ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓ છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે. ત્યારબાદ 25 એપ્રિલની મોડીરાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો ઝડપાયા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે.
અમદાવાદ પોલીસે રાત્રિના 12 વાગ્યે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સાથે એસઓજી, ઈઓડબ્લ્યુ, ઝોન6 અને પોલીસ હેડ ક્વાર્ટરની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી 890 લોકોની અટકાયત કરાઈ હતી. જેમાં 470 પુરુષ અને બાકીની મહિલાઓ તથા બાળકો હતા. શંકાસ્પદ લોકોના હાથમાં દોરડા બાંધી કોર્ડન કરી અટકાયત કરાઈ હતી. તમામને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતા.
ગેરકાયદે રહેતા ઘૂસણખોર બાંગ્લાદેશ વિરુદ્ધ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું રાજ્યના ડીજીપીએ જણાવ્યું હતું. સર્ચ ઓપરેશનમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. અમદાવાદમાંથી કુલ 890 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સુરતમાંથી 135 બાંગ્લાદેશીને પકડવામાં આવ્યા છે.
અટકાયત કરાયેલા બાંગ્લાદેશીઓની પૂછપરછ ચાલુ છે. કેન્દ્રીય એજન્સીને સાથે રાખી પૂછપરછ કરાશે. ટૂંક સમયમાં ઘૂસણખોરોને ડિપોર્ટ કરાશે.

ગૃહમંત્રીની સુરતમાં બેઠક
દરમિયાન સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્યના આઈજી, પોલીસ કમિશનર, અધિકારીઓ સાથે રાખી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની એક વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં ગેરકાયદે ભારતમાં રહેતા ઘુસણખોરો મુદ્દે ચર્ચા થઈ છે.