SURAT

88 વર્ષની બાબુભાઈ સી. ભેળવાલાની પેઢીની ભેલ અને દહીં પુરીનો ટેસ્ટ સુરતીઓને લાગે છે બેસ્ટ

ચૌટાબજારનું નામ કાને પડતા જ આપણી નજર સામે અહીં સૌંદર્ય પ્રસાધનો, કપડા, જવેલરી વગેરે વસ્તુઓ ખરીદવા ઉમટી પડેલી સ્ત્રીઓ, મહિલાઓનું દ્રશ્ય તરવરવા લાગે છે. મુળે તો ચૌટા બજાર મહિલાઓને લગતી વસ્તુઓ માટેનું જ બજાર છે. અહીં શોપિંગ કરતા કરતા મહિલાઓને ભેળ કે પાણીપુરી કે પછી ઢોસા ખાવાની ઈચ્છા થઈ જાય તો બાબુભાઇ ભેળવાલાની યાદ આવી જાય. બાબુભાઇ ભેલવાલાનું નામ તો લગભગ બધા જ સુરતીઓએ સાંભળ્યું છે. આ પેઢીએ 88 વર્ષ પહેલા સુરતીઓને સોલાપુરી ચેવડાનો સ્વાદ આપવાનું શરૂ કર્યું હતું આજે આ પેઢી સુરતીઓને ફાસ્ટફૂડનો સ્વાદ પણ આપી રહી છે.

એક જમાનો એવો હતો કે જ્યારે સુરતના લોકો માટે હરવા-ફરવાનું સ્થળ ગાંધી બાગ હતું. બસ આ બાગની પાળી પર બેસીને આ પેઢીનાં સ્થાપક સુરતીઓને ચેવડાનો ટેસ્ટ આપતા. ત્યારે તો પેટનો ખાડો પુરવા ચેવડો વેચવાનું શરૂ કર્યું હતું. થોડા સધ્ધર થયા એટલે ભેળની લારી કરી. આજે પણ ઘણા સુરતીઓ એ વાતના સાક્ષી છે કે બાબુભાઇ ભેલવાલા T&TV સ્કૂલના ગેટ પાસે ભેળની લારી લઈને ઉભા રહેતા. સમય વહેતો ગયો તેમ તેમના ધંધાનો વિસ્તાર થયો અને આજે આ પેઢીની ચૌટાબજારમાં બાબુભાઇ સી. ભેલવાલાના નામે રેસ્ટોરન્ટ છે. ચાલો આપણે આ પેઢીના રસપ્રદ ઇતિહાસ અને વર્તમાન તરફ એક નજર કરીએ.

1980માં મેં અને મારા બે ભાઈઓએ મળીને ફાસ્ટ ફૂડની રેસ્ટોરન્ટ શરૂ કરી: બીપીનભાઈ જીનવાલા
ત્રીજી પેઢીનાં સંચાલક બીપીનભાઈએ જણાવ્યું કે, 1980માં અમારી આર્થિક સ્થિતિ મજબૂત બની એટલે મેં અને મારા મોટા ભાઈ સ્વ. વસંતભાઈ અને સ્વ.ભરતભાઈએ મળીને ધંધાનો વિસ્તાર કરવા માટે ચૌટાબજાર કેરાપીઠમાં આ રેસ્ટોરન્ટનો પાયો 1980માં નાખ્યો. આ સાથે પાણીપુરી ગ્રાહકોને પીરસવાનું શરૂ કર્યું. આ ઉપરાંત ચૌટાબજારમાં ખરીદી માટે આવતી મહિલાઓને પસંદ આવતી ચટાકેદાર ડિશ આપવાનું શરૂ કર્યું. આ ધંધો જમાવવામાં વધારે મહેનત અમારા મોટાભાઈ વસંતભાઈ અને ભરતભાઈએ કરી હતી કારણકે મારું એ વખતે ભણવામાં વધારે ધ્યાન હતું. અમારી રેસ્ટોરન્ટ-દુકાનમાં વિવિધ ડિશનો સ્વાદ લેવા આવનારમાં મહિલા ગ્રાહકોની સંખ્યા વધારે છે કેમકે, આ બજાર જ મહિલાઓનું છે.

અડાજણ- પાલમાં આ પેઢીની બ્રાન્ચ ખોલી લોકોને સુરતી ટેસ્ટ આપવા માંગુ છું: દેવીશ જીનવાલા
ચોથી પેઢીનાં સંચાલક દેવીશભાઈએ જણાવ્યું કે મેં B.Com. સુધી સ્ટડી કર્યું છે. હું 10માં- 11માં ધોરણમાં હતો ત્યારથી મેં ધંધામાં ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. B.Com. બાદ મેં ભણવાનું છોડી દીધું હતું. અને પપ્પાને ધંધામાં મદદ કરવા લાગ્યો હતો. અમે ઢોસા, ચાઈનીઝ અન્ય ફાસ્ટફૂડ, ઠંડા પીણા ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું. આજે તો અમારે ત્યાં ઓલપાડ, કામરેજ, બારડોલી અને બીજી અન્ય જગ્યાઓ પરથી પણ લોકો ફાસ્ટ ફૂડ અને ભેળની મજા લેવા આવે છે. હું આ ધંધાને હજી આગળ ધપાવવા માંગુ છું એટલા માટે અડાજણ અને પાલમાં ફાસ્ટ ફૂડની બ્રાન્ચ ખોલી ત્યાંના લોકોને અસલ સુરતી ટેસ્ટ આપવા માંગુ છું. મૈસુર ઢોસામાં ટામેટાની ભાજી અમે સુરતમાં ફેમસ કરી હતી.

કોલેજીયન સ્ટુડન્ટ્સ ફેન્સી ઢોસા ખાવાનું પસંદ કરે છે
દેવીશભાઈએ જણાવ્યું કે અમારે ત્યાં ઢોસાની અનેક વેરાયટી મળે છે જેમકે મસાલા ઢોસા, મૈસુર ઢોસા, રવા ઢોસા. કોલેજીયન સ્ટુડન્ટ્સ બપોરના સમયે ફેન્સી ઢોસા જેમકે, પાલક પનીર ઢોસા, પીઝ્ઝા ઢોસા, જીની રોલ, ચીઝ પનીર ઢોસા ખાવા આવતા હોય છે. ઘણા કસ્ટમર રવા ઢોસા પસંદ કરે છે સાથે સાથે પાણી પુરીનો સ્વાદ લેતા હોય છે.

મહિલા કસ્ટમરનો દાગીનો પરત કર્યો હતો
એક વખત એક મહિલા અમારી દુકાન પર ફાસ્ટફૂડ ખાઈને ચાલી ગઈ હતી પછી અમને ખબર પડી હતી કે તેનું એક ઘરેણું અમારી દુકાનમાં પડી ગયું છે. તે મહિલા એક ગાયનેકને બતાવવા જવાની હતી એટલી અમને ખબર હતી એટલે અમે તે ગાયનેકને તે મહિલાનું ઘરેણું આપી દીધું હતું. એક બીજો યાદ કરતા તેઓ જણાવે છે કે એક મહિલા ગ્રાહકને તેનું પૈસા ભરેલું પર્સ એક વર્ષ બાદ તે મહિલા ફરી રેસ્ટોરન્ટમાં દેખાતા તેને પરત કરી અમે અમારી માનવતાની ફરજ ચૂકવી હતી. જોકે, એવા કિસ્સા પણ બન્યા છે કે કેટલાક ગ્રાહક ભીડનો લાભ લઇ પૈસા ચૂકવ્યા વગર દુકાનમાંથી નીકળી ગયા.

1935માં છોટાલાલ જીનવાલાએ બે પૈસા-ત્રણ પૈસામાં સોલાપુરી ચેવડો વેચવાનું શરૂ કર્યું હતું
આ પેઢીનાં મૂળિયા નાખનાર છોટાલાલ વિઠ્ઠલદાસ જિનવાલાએ સૌપ્રથમવાર સુરતીઓને સોલાપુરી ચેવડાનો ટેસ્ટ સુરતમાં આપવાનું શરૂ કર્યું હતું. તેમાં પૌવા અને ડ્રાય ફ્રૂટ્સ તથા ઘરે જાતે બનાવેલા મસાલા રહેતા. તેઓ રોજ સાંજે પિત્તળના ડબ્બામાં આ ચેવડો ભરીને ગાંધી બાગની પાછળની સાઈડ પર પાળી પર જઈને બેસતા. એ જમાનામાં તો સુરત સિટી અને આસપાસના ગામોના લોકોનું મુખ્ય હરવા ફરવાનું સ્થળ ગાંધી બાગ હતું. ત્યારે લોકો ઘોડાગાડીમાં ગાંધી બાગમાં ફરવા આવતા. ફરવા આવેલા લોકોને છોટાલાલ બે અને ત્રણ પૈસામાં આ ચેવડો વેચતા. ડબ્બો ખલાસ થાય ત્યાં સુધી તેઓ પાળી પર બેસી રહેતા. ઘરની સ્ત્રીઓ ચેવડો બનાવતી અને છોટાલાલ જાતે મસાલા બનાવતા. 20 વર્ષ સુધી તેમણે આ રીતે ધંધો કર્યો હતો. તેમણે જાતે ચેવડો બનાવવાની ટ્રેનીંગ લીધી હતી.

દહીં પુરી, પાણીપુરી અને ભેળપુરી ઓલટાઇમ ફેવરિટ છે
બિપિનભાઈએ જણાવ્યું કે પહેલા પણ અમારે ત્યાં લોકો ભેળપુરી, દહીંપુરી અને પાણીપુરી ખાવા આવતા અને આજે પણ આ ત્રણેય ડિશ એટલી જ લોકોને પસંદ છે. અમે સ્વાદ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરતા પ્રામાણિક રહેવું એ અમારો સિદ્ધાંત છે. એટલે જ આજે પણ જુના ગ્રાહકો અમારે ત્યાં આવતા હોય છે.

બાબુભાઈ T&TV સ્કૂલના ગેટ પાસે રિસેસમાં ભેળની લારી લઈને ઉભા રહેતા
છોટાલાલ જિનવાલાના દીકરા બાબુભાઇએ તેમના પિતાના ધંધાનો વિસ્તાર કર્યો. તેઓ ગાંધી બાગની પાછળના ભાગમાં ભેળની લારી લઈને ઉભા રહેતા. તેઓ ચટણી વાળી અને સૂકી ભેળ વેચતા. સ્કૂલમાં રીસેસનો સમય થાય એટલે લારી લઈને T&T.V. સ્કૂલના ગેટ પર પહોંચી જતા અને સ્ટુડન્ટ્સને ભેળ વેચતા હતા. રીસેસ પુરી થઈ જતા ફરી ગાંધીબાગ પાછા આવી જતા. તેમની પત્ની લેલીબેન રોજ 5 કિલો મરચા દસ્તામાં ખાંડીને ચટણી બનાવતા હતા. તેઓ ચેવડામાં સેવ મમરા ચટણી નાખી ભેળ બનાવાતી જે લોકોમાં વખણાતી. આ ભેળ 15થી 20 પૈસામાં વેચવામાં આવતી હતી.

કેન્દ્રીય મંત્રી દર્શનાબેન નાસ્તો કરવા આવતા
બીપીનભાઈએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના પ્રિન્સિપાલ રુબિન મહેતા અહીં જ રહેતાં તેમને જ્યારે પણ મળવા માટે દર્શનાબેન જરદોશ આવતા ત્યારે અમારી દુકાનમાં નાસ્તો કરતા હતા. સ્વ. કાશીરામ રાણા પણ અમારે ત્યાં નાશ્તા માટે આવતા હતા. હું ઢોસા બનાવવાનો સારો કારીગર છું. ઉપરાંત ખજૂરની ચટણી અને ભેળ તથા દહીંપુરીના મસાલા બનાવવાનું જાણું છું. અમારે ત્યાં ડિસેમ્બર મહિનામાં લંડન અને અમેરિકામાં રહેતા NRI સુરત આવે ત્યારે ચૌટા બજારમાં લગ્નની ખરીદી કરવા આવે ત્યારે અમારે ત્યાં ભેળ, દહીં પુરી, પાણી પુરી ખાવા આવતા હોય છે.

Most Popular

To Top