સુરત: દિવાળીની ઉજવણીમાં આતશબાજી વચ્ચે સુરત શહેરમાં ઠેરઠેર આગજનીના બનાવ બન્યા હતા. શહેરની સૌથી મોટી નવનિર્માણાધીન રહેણાંક બિલ્ડિંગ પાલની કાસા રિવેરામાં મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ લાગી હતી. તે ઉપરાંત અલથાણની રઘુવીર ઈન્ફોનિયામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રાદેરના ઉગત રોડ પર ઝૂંપડાઓમાં પણ આગ લાગી હતી. દિવાળીની રાત્રિ દરમિયાન કુલ 88 જેટલાં આગજનીના બનાવ બન્યા હતા, જેના લીધે આખી રાત ફાયર બ્રિગેડ દોડતું રહ્યું હતું.
પાલની કાસા રિવેરામાં આગ લાગી
પાલ રોડ પર આરટીઓની સામે નવનિર્માણાધીન રહેણાંક એપાર્ટમેન્ટ કાસા રિવેરાના એન્ટ્રેસ ગેટની ઉપર મોડી રાત્રે આગ લાગી હતી. હાલ આ બિલ્ડિંગમાં કોઈ રહેવા આવ્યું નથી. આ બિલ્ડિંગની સામે આરટીઓ રોડ પર મોટી સંખ્યામાં મોડી રાત્રિ સુધી લોકો ફટાકડા ફોડતા હોય છે, તેથી કોઈ ફટાકડાના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે. કોલ મળતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઓલવી હતી.
અલથાણના રઘુવીર ઇન્ફોનિયાના 11 માં માળે ફ્લેટમાં આગ બાદ ભાગદોડ
અલથાણ-કેનાલ રોડ પર આવેલા રઘુવીર ઇન્ફોનિયા નામની બિલ્ડિંગના 11 માં માળે અચાનક એક ફ્લેટમાં આગ લાગતા સોસાયટીના લોકો ભયના માર્યા બિલ્ડીંગ નીચે દોડી ગયા હતા. આગ લાગવા પાછળ આતશબાજી હોવાનું કારણ સામે આવ્યું છે. આ આગમાં ફલેટના હોલ અને બે બેડરૂમ બળીને ખાખ થઈ ગયા હતા. ફાયરના જવાનોએ મહામુસીબતે આગને કાબુમાં લીધી હતી.
ફાયર વિભાગે જણાવ્યુ હતું કે ઘટના લગભગ 10:40 ની હતી. બિલ્ડિંગના 11 માળે આગ લાગી હોવાનો કોલ મળતા જ વેસુ અને મજુરા ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના કરાઈ હતી. જવાનોએ ફાયર સામગ્રી સાથે દાદર ચઢી 11 માળે પહોંચ્યા હતા. હોલ અને બેડ રૂમમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
ફાયર ઓફિસર દવેએ જણાવ્યું હતું કે આગ ભીષણ હતી. લોકો દોડી ને દાદર ઉતરી રહ્યા હતા. જોકે સમયસર સ્થળ પર પહોંચી જતા હોલ અને બે બેડરૂમમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા. આગ લાગવા પાછળ આતશબાજી હોવાનુ પ્રાથમિક કારણ કહી શકાય છે. આગમાં લાખોનું ફર્નિચર સહિતની સામગ્રી બળી ગઈ હતી.
ઉગત રોડ પર મધરાત્રે 8-10 ઝૂંપડા સળગી ગયા
સુરત રાંદેર ઉગત રોડ ઉપર દિવાળીની રાત્રે અચાનક 8-10 ઝુંપડા સળગી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહી પણ ઝૂંપડાની આગ બાજુમાં આવેલા EWS આવાસમાં પસરી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગ એટલું ભીષણ હતી કે ભંગારના 3 ગોડાઉનને પણ લપેટમાં લીધા હતા. જોકે ઘટનાની જાણ બાદ ત્રણ ફાયર સ્ટેશનના જવાનોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ઓફિસર મોઢ સાહેબે જણાવ્યું હતું કે લગભગ તમામ સ્ટેશનના ફાયતર વ્યસ્ત હતા. એવામાં ભીષણ આગ નો કોલ મળ્યો હતો. કોઈ જાનહાની નોંધાય ન હતી.
મોટા વરાછા અબ્રામા રોડ પર ઓટોવર્કસમાં આગ
મોટા વરાછા અબ્રામા રોડ પર આવેલા સ્ટેલીઓન ઓટોવોર્કસમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. મોટા વરાછા ફાયર સ્ટેશનના અધિકારીઓ કોલ મળતા જ સ્થળ પર દોડી ગયા હતા. ફાયર ઓફિસર ધીરુભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે આગ ગેરેજમાં લાગી હતી. બાજુમાં ભંગાર નો સામાન અને કાર કલરના ડબ્બા સાથે થીનર હતું જેને કારણે આગ પકડાય હોય એમ કહી શકાય છે. ઓકે કોઈ મોટી દુર્ઘટના ન હતી. 40-45 મિનિટમાં જ આગ કંટ્રોલ થઈ ગઈ હતી.