ઓલપાડ ગ્રુપ કોટન સેલ સોસાયટીની ૮૫મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat

ઓલપાડ ગ્રુપ કોટન સેલ સોસાયટીની ૮૫મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિમિટેડની ૮૫મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પટાંગણમાં પ્રમુખ મનહર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભા પૂર્ણ થયા બાદ મંડળી છેલ્લાં ૨૩ જેટલાં વર્ષ સુધી પ્રમુખ તરીકે માનદ્ સેવા આપનાર માજી પ્રમુખ જયંતી પટેલ(કોબા)નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સને ૧૯૯૭થી લઈ ૨૦૧૯ સુધી પ્રમુખ તરીકેની માનદ્ સેવા આપી મંડળી આર્થિક કટોકટીમાંથી બહાર લાવી મંડળી વિકાસ જેમનો સિંહફાળો છે એ માજી પ્રમુખ જયંતી પટેલનો સન્માન સમારોહ ગુજરાતના માજી પર્યાવરણ મંત્રી સહકારી આગેવાન ભગુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જયંતી પટેલના તૈલચિત્રની અનાવરણ વિધિ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરાઈ હતી. ત્યારબાદ મુખ્ય મહેમાન ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે મંડળી પ્રમુખ મનહર પટેલ સહિત તમામ ડિરેક્ટરો તેમજ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. કાર્યક્રમના અધ્યક્ષ માજી વન-પર્યાવરણ મંત્રીએ માજી પ્રમુખ જયંતી પટેલની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં અન્ય મંડળીના પ્રમુખો, માજી પ્રમુખો, ડિરેક્ટરો, સહકારી આગેવાન, મંડળી પ્રમુખ મનહર પટેલ, ઉપપ્રમુખ કાંતિ પટેલ, તમામ ડિરેક્ટરો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આભારવિધિ મંડળીના ડિરેક્ટર કરસન પટેલે કરી હતી.

Most Popular

To Top