Gujarat

કોંગ્રેસનું 84મું અધિવેશન: અમદાવાદમાં CWC ની બેઠક મળી, કાલે રિવરફ્રન્ટ પર યોજાશે મુખ્ય અધિવેશન

કોંગ્રેસનું 84મું અધિવેશન ગુજરાતના અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. આ અધિવેશન બે દિવસ એટલેકે 8 અને 9 એપ્રિલ સુધી ચાલશે. મંગળવારે પહેલા દિવસે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક ચાર કલાક ચાલી હતી. બેઠક પછી કાર્યકારી સમિતિના તમામ સભ્યોને “પટેલ અ લાઈફ” નામનું પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું. આ પછી સરદાર સ્મારકની બહાર નેતાઓનો ફોટો સેશન યોજવામાં આવ્યો હતો.

CWCની બેઠકની શરૂઆતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે કોંગ્રેસને 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે.

પાર્ટીના પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું હતું કે આજે સત્રમાં 158 સભ્યો હાજર હતા. આજે સરદાર પટેલ પર ખાસ ચર્ચા થઈ અને પ્રસ્તાવ પસાર થયો. ખાસ વાત એ છે કે આ સંમેલન ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. આ બેઠક સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ રહી છે. પટેલ અને જવાહરલાલ નેહરુ આધુનિક ભારતના નિર્માતા હતા. જે લોકો દાવો કરે છે કે આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી તેઓ જૂઠું બોલી રહ્યા છે. બેઠકમાં સરદાર વલ્લભભાઈ પટેલ અંગે એક ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આવતીકાલે બે મુદ્દાઓ પર ચર્ચા થશે. અમારો પ્રસ્તાવ તમને જણાવશે કે પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ વચ્ચે કેવા પ્રકારના સંબંધો હતા.

તેમણે ગાંધીજીના નેતૃત્વમાં સ્વતંત્રતા માટે લડત ચલાવી અને બાદમાં ભારતનો પાયો નાખ્યો. આજે ખેડૂતોનો અવાજ સાંભળવામાં આવી રહ્યો નથી. આ સરદાર પટેલનું અપમાન છે. તેમણે એમ પણ કહ્યું કે આજે ગાંધીવાદી સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે.

કેસી વેણુગોપાલે કહ્યું કે આજે અમે આ ઐતિહાસિક સ્થળે AICC બેઠક અને CWC ની વિસ્તૃત બેઠક યોજી હતી. આ બેઠક પાર્ટીની સફરમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે થઈ રહી છે. આમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો પણ સમાવેશ થાય છે. આ પહેલા 1902માં ગુજરાતમાં એક સંમેલન યોજાયું હતું. ત્યારબાદ ગુજરાતમાં છ વખત કોંગ્રેસના અધિવેશન યોજાયા છે. સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતનું મહત્વનું સ્થાન રહ્યું છે. મીઠાના સત્યાગ્રહ, બારડોલી ચળવળ અને ખેડા સત્યાગ્રહ અહીં થયા હતા.

જણાવી દઈએ કે કોંગ્રેસ અધિવેશનની શરૂઆત કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક સાથે શરૂ થઈ છે. જેમાં CWC સભ્યો તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો, વિપક્ષના નેતા અને અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. 9 એપ્રિલે મુખ્ય અધિવેશન યોજાશે જેમાં દેશભરમાંથી 1,700થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. અહીં એક VVIP ડોમ બનાવવામાં આવ્યો છે. આ અધિવેશનની થીમ છે, ‘ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ.’

Most Popular

To Top