વડોદરા : વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ મંગળવારે રોજ સમિતિ સમક્ષ રજુ થયું હતું.જેમાં વિદ્યાર્થીઓને આધુનિક તથા ગુણવત્તા યુક્ત શિક્ષણ પૂરું પાડવાના વિષય ઉપર ભાર મુકવામાં આવ્યો છે. સમિતિ સભામાં બજેટ મંજૂર કરીને અંતિમ મંજૂરી માટે વડોદરા કોર્પોરેશનની સમગ્ર સભામાં મોકલી આપવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણીએ જણાવ્યું હતું કે વર્ષ 2022 ના 184 કરોડના ડ્રાફ્ટ બજેટ ઉપર ઉપાધ્યક્ષ, શાસનાધિકારી અને સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.મંજૂરી, વધારો અને ઘટાડા માટે સામૂહિક નિર્ણય લેવાયા છે.બજેટમાં સૌના વિચારને પ્રાધાન્ય આપવામાં આવ્યો છે. ખાસ કરીને આ બજેટમાં ડિજિટલાઈઝેશન પદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો છે.આધુનિક ટેક્નોલોજીના ઉપયોગનો વિદ્યાર્થીઓને લાભ મળે તેવા પ્રયત્નો છે.
પ્રધાનમંત્રીની નવી એજ્યુકેશન પોલીસી અંતર્ગત શાળાઓમાં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખી બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત બાળકોનું શિક્ષણ સ્તર સુધરે અને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તે દિશામાં પણ ભાર મુકાયો છે.જેથી વિદ્યાર્થીનો એકેડમિક નહીં પરંતુ સર્વાંગી વિકાસ થાય.બજેટ દ્વારા બાળકોને આધુનિક ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.અત્રે નોંધનીય છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું વર્ષ 2022-23નું બજેટ આજે સમિતિની સભામાં રજૂ થયું છે.સમિતિએ સભામાં બજેટ મંજૂર કરીને અંતિમ મંજૂરી માટે વડોદરા કોર્પોરેશનની સમગ્ર સભામાં મોકલી આપશે. કોર્પોરેશન દ્વારા તેનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ ગયા સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ કમિશનરે રજૂ કર્યું હતું આ બજેટ 3833.49 કરોડ હતું.બજેટમાં શિક્ષણ સમિતિને નવા નાણાંકીય વર્ષમાં 184 કરોડની ગ્રાન્ટ આપવાનું પણ અંદાજાયું છે.