ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ આજે 11 મે ના રોજ ગુજરાત બોર્ડની (Gujarat Board) ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ (Result) સવારે 8 વાગ્યે જાહેર (Declared) કરવામાં આવ્યું હતું. ગુજરાત એસએસસી પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.
ગત વર્ષે ધોરણ 10 ગુજરાત બોર્ડનું 64.62 ટકા પરિણામ આવ્યું હતું. ત્યારે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 17.94 ટકા પરિણામ વધુ આવ્યું હતું. ત્યારે અમદાવાદ ગ્રામ્યના દાલોદ કેન્દ્ર અને ભાવનગરના તલગાજરડા કેન્દ્રનું 100 ટકા સૌથી વધુ પરિણામ મેળવ્યું હતું. આ સાથે જ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર 87.22 ટકાસાથે રહ્યો હતો. તેમજ સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર 74.57 ટકા સાથે રહ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ 1389 સ્કુલોનું 100 ટકા પરિણામ આવ્યું હતું. તેમજ 23247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.12 ટકા હતું. વિદ્યાર્થિનીઓનું પરિણામ 86.69 ટકા હતું. તેમજ છોકરીઓએ છોકરાઓ કરતા 7.57 ટકા જેટલું વધુ પરિણામ મેળવ્યું હતું.
આ પરીક્ષામાં કુલ 7,06,370 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 6,99,598 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ 5,77,556 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા. જેથી રાજ્યનું કુલ પરિણામ 82.56 ટકા રહ્યું હતું. જે પાછલા 30 વર્ષોનું રેકોર્ડ બ્રેક રહ્યું હતું.
ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ આ રીતે તપાસો
- બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- હોમપેજ પર SSC પરિણામ લિંક પર ક્લિક કરો.
- તમારા ઓળખપત્રો દાખલ કરો જેમ કે 7 અંકનો સીટ નંબર અને લોગ ઇન કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે, તેને ડાઉનલોડ કરો.
- તમારા પરિણામની હાર્ડ કોપી તમારી પાસે રાખો.
આ સિવાય જો સાઇટ ઉપર ટ્રાફિક વધુ હોવાને કારણે પરિણામો તપાવામાં અવરોધ આવે તો, ગુજરાત બોર્ડ દ્વારા પરિણામો મેળવવા માટે વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ વોટ્સએપ ઉપર આ રીતે જુઓ
- સૌથી પહેલા તમારા ફોનમાં 6357300971 નંબર સેવ કરો.
- આ પછી WhatsApp મેસેન્જરમાં કોન્ટેક્ટ રિફ્રેશ કરો.
- હવે ગુજરાત બોર્ડની સેવ કરેલી ચેટ પર જાઓ અને તમારો સીટ નંબર લખીને મોકલો.
- તમને તમારું પરિણામ થોડીવારમાં મેસેજ પર મળી જશે.
ગુજરાત બોર્ડની ધોરણ 10 બોર્ડની પરીક્ષા રાજ્યમાં 14 ફેબ્રુઆરીથી 04 માર્ચ, 2024 દરમિયાન યોજાઈ હતી. જેમાં આ વર્ષે લગભગ 9 લાખ વિદ્યાર્થીઓએ GSEB SSC પરીક્ષા આપી હતી. તેમજ હાલે ઓનલાઈન જારી કરાયેલ માર્કશીટ કામચલાઉ હશે, અને વિદ્યાર્થીઓએ માર્કશીટ સહિત પ્રમાણપત્ર મેળવવા માટે થોડો સમય રાહ જોવી પડશે.
ગુજરાત બોર્ડ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓની માર્કશીટ સાથે પ્રમાણપત્રો શાળામાં મોકલશે, જેની તારીખ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 9 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમજ આખરે ધોરણ 12 બોર્ડના રિઝલ્ટ બાદ હવે ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓના રિઝલ્ટ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.