કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં ૨૦૨૧-૨૨ના વર્ષ માટે બજેટ રજૂ કર્યુ તેને વાપીના રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલાઓએ આવકાર્યુ છે. વાપીના રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે છેલ્લા બે વર્ષથી ખાસ કરીને નોટબંધી પછી મંદીને લઇને આ ક્ષેત્રને ફરી પગભર થવા માટે આ વર્ષનું બજેટ સંજીવની સાબિત થાય તેમ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ફાસ્ટ્રકચરમાં વધારો કરવાથી પરોક્ષ રીતે રીયલ એસ્ટેટ માટે આ બજેટ ઉપકારક સાબિત થશે. આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસીંગ લોનના વ્યાજ પર ૧.૫ લાખ સુધીની છૂટને એક વર્ષ માટે આ બજેટમાં વધારવામાં આવી છે. આ છૂટ ગત વર્ષે આપવામાં આવી હતી. દરેકને રહેવા માટે ઘર મળે તેવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભાવનાને ફરી આ બજેટમાં સાકાર કરીને નાણાંમંત્રીએ સસ્તા ઘર ઉપલબ્ધ કરાવવા આ યોજનાને ટેક્સમાં રાહત આપવાનું કામ થયું છે.
બીજી તરફ સ્ટીલની આયાત પર ટેક્સને ઘટાડીને ૭.૫ ટકા કરવાના પગલાથી મકાન બનાવવાના ખર્ચમાં ઘટાડો થશે. જેનો પણ લાભ ઘર ખરીદનારાને મળશે. આ ઉપરાંત વિદેશથી રોકાણ કરનારા માટે પણ રીયલ એસ્ટેટમાં રોકાણ વધશે. આમ આ બજેટમાં રીયલ એસ્ટેટ માટે એક રીતે મંદીમાંથી આ ઉદ્યોગને બહાર કાઢવા માટે અવસર બનીને આવે તેવી પુરી સંભાવના છે. જોકે આ બજેટમાં ઇન્કમટેક્સ ભરનારાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ સેટલમેન્ટ માટે સારી સ્કીમ આપવામાં આવી છે.
ટેક્સ અંગેના જૂના કેસ માટે છ વર્ષ સુધીના જૂના કેસ ફરી તપાસ કરવાની મુદ્દતમાં પણ ઘટાડો કરીને હવે માત્ર ત્રણ વર્ષ જૂના કેસને જ ફરી તપાસમાં લાવી શકાશે. બેંકમાં જમા પૈસા ડૂબે નહીં તેના માટે પણ બજેટમાં પાંચ લાખ સુધીની જમા રકમને વીમા હેઠળ સુરક્ષિત કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે. બેંકીંગ ક્ષેત્રમાટે પણ બજેટ ફાયદાકારક સાબિત થશે.
ઘર ખરીદનારા માટે બજેટમાં સારી જોગવાઈ
વાપી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ દેવસીભાઇ ભાટુએ કેન્દ્રની મોદી સરકારના ૨૦૨૧-૨૨ના બજેટને આવકાર્યુ છે. તેમણે કહ્યું કે, આ બજેટ રીયલ એસ્ટેટ માટે સંજીવની સાબિત થશે. છેલ્લા બે વર્ષથી મંદીનો માર સહન કરનારા આ ક્ષેત્ર માટે આ બજેટ ઘણી બધી રીતે ઉપકારક સાબિત થશે. ઘર ખરીદનારા માટે એફોર્ડેબલ હાઉસીંગ લોનના વ્યાજ પર ૧.૫ લાખ સુધીની છૂટને એક વર્ષ માટે વધારવામાં આવી છે. તેનો લાભ ઘર ખરીદનારાને મળશે. જયારે સ્ટીલની આયાત પર ટેક્સમાં ઘટાડો કરાયો તે પણ આવકારદાયક પગલું છે.
- જૂના કેસ માટે હવે ત્રણ વર્ષ સુધીની મુદ્દત
કેન્દ્ર સરકારના બજેટને વાપીના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા પણ આવકારવામાં આવ્યું છે, ચાર્ટડ એકાઉન્ટન્ટ જીજ્ઞેશ વાસાણીએ જણાવ્યું કે આ બજેટ આવકારદાયક છે. હાઉસીંગ લોન સ્કીમમાં ૧.૫ લાખ સુધીના વ્યાજ પરની છૂટને એક વર્ષ માટે વધારી તે આવકારદાયક છે. જયારે જૂના કેસ માટે પહેલા છ વર્ષ સુધીની મુદ્દત હતી. તેને અડધી કરીને હવે માત્ર ત્રણ વર્ષના જૂના કેસને જ લઇ શકાશે. આ ઉપરાંત એસેસમેન્ટ માટે ૯ મહિના જ કરી નાંખ્યા છે. ૭૫ વર્ષના લોકો માટે ટેક્સમાંથી મુક્તિ આપી છે. બેંકના જમા રૂપિયા માટે પણ વીમાની જે સ્કીમ આપી પાંચ લાખ સુધીની ડીપોઝીટને સલામત કરવામાં આવી તે આવકારપાત્ર છે.
વાપીના ચાર્ટડ એકાઉન્ટન્ટ જી.બી. લઢ્ઢાના જણાવ્યા પ્રમાણે આ બજેટમાં સેટલમેન્ટ માટેની સારી સ્કીમ છે. જીએસટી ઓડીટ કાઢી નાંખ્યું છે. જેના માટે ઓડીટ નહીં કરવું પડે. સેલ્ફસર્ટીફાઇડ કરી શકાશે. જયારે એસેસમેન્ટ સહીત બધી પ્રક્રિયા ઓન લાઇન કરવા સાથે હવે ટ્રીબ્યુનલ માટે પણ ઓન લાઇન જ કાર્યવાહી કરવાની રહેશે. જે આવકારપાત્ર છે.