Gujarat

કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે 80 કરોડ લોકોને અનાજ આપીને ભૂખ્યા સુવા દીધા નથી : રૂપાણી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે અન્ન વિતરણનો આજથી દાહોદથી આરંભ થયો છે. આ સમારંભમાં દાહોદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી નેતૃત્વમાં યોજાઈ રહેલા અનાજ વિતરણનો રાજ્યવ્યાપી કાર્યક્રમ અંત્યોદયને ચરિતાર્થ કરવાનો સફળ પ્રયાસ છે. છેવાડાના માનવી અને ગરીબ વ્યક્તિના જીવનમાં સંવેદનશીલ સ્પર્શ છે. હરોળમાં ઉભેલી છેલ્લી વ્યક્તિને પણ પોતાના જીવનમાં સરકારનો અનુભવ થાય એવો પ્રયાસ છે. કેન્દ્ર સરકાર પાસે છેવાડાના માનવીના જીવનને બહેતર બનાવવા માટેનું વિઝન, દ્રઢ ઇચ્છાશક્તિ, ગરીબ-વંચિત માટેની સંવેદના હોવાથી તે શક્ય છે.


રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં પીએમ મોદીએ જે વિકાસનો માર્ગ ચિંધ્યો હતો એ જ માર્ગ પર આ સરકાર ગરીબ, વંચિત, અંત્યોદયના ઉત્થાન માટે કાર્યરત છે. ગુજરાતની ૧૭ હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ૭૧ લાખ અંત્યોદય ગરીબ પરિવારોના-સાડા ત્રણ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપીને “સૌને અન્ન-સૌને પોષણના” સંકલ્પને આ સરકારે સાકાર કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, ભૂતકાળના શાસનોમાં ગરીબોની ખુબ ઉપેક્ષા થઈ હતી. વોટ બેન્ક માટે ગરીબી હટાવવાના માત્ર સુત્રો અપાયા. પણ, ગરીબી હટાવવા માટે સમર્પિત થઈને રાત દિવસ કામમાં લાગવું એ અલગ બાબત છે અને એ કામ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે. આપણા શાસ્ત્રોમાં અન્નબ્રહ્મ કહ્યું છે એટલે કે અન્નમાં બ્રહ્મનો વાસ છે.

દેવનો વાસ છે અને એ અન્ન દરિદ્રનારાયણને વિનામૂલ્યે આપીને પીએમ મોદીએ કરોડો ગરીબોના પોષણની ચિંતા કરી છે. ‘વન નેશન વન રેશન’નો વિચાર ભાગરૂપે કેન્દ્ર સરકારે ૨ લાખ ૮૪ હજાર કરોડ રૂપિયાની અનાજની સબસિડી આપી છે અને આના દ્વારા દેશના ૮૦ કરોડ લોકોને છ મહિના અનાજ મળવાનું છે. કોરોના કાળમાં જે રીતે ગરીબોને નિ:શુલ્ક અનાજ પહોંચાડ્યું છે અને આવી કપરી પરિસ્થિતિમાં પણ કોઈને ભુખ્યા સુવા નથી દીધા.

પ્રધાનમંત્રી મોદીએ આ સમારંભમાં રાજકોટ, મહેસાણા, તાપી, ગાંધીનગર અને રાજકોટ જિલ્લાના લાભાર્થીઓ સાથે ઇ-સંવાદ પણ સાધ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે આ સમારંભમાં સંબોધન કર્યુ હતું. સમારંભમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું

Most Popular

To Top