SURAT

પેટ્રોલ-ડિઝલના ભાવો ઘટી જતાં દ.ગુ.ના ડિલર્સને 800થી 1000 કરોડનું નુકસાન

વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણીમાં કેન્દ્રના સત્તાધારી પક્ષને પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસમાં સતત થઈ રહેલા ભાવવધારાને લીધે વધી રહેલી અતિશય મોંઘવારી નડી જતાં મોદી સરકારે તેનાથી સબક શીખી, લોકોનો મૂડ પારખી લઇ દિવાળીની ભેટ તરીકે પેટ્રોલ અને ડિઝલ પરથી એકસાઇઝ ડયુટી ઘટાડતા લિટરે અનુક્રમે પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડિઝલના ભાવમાં 10 રૂપિયા ઘટ્યા છે. જોકે આ ઘટાડો સુરત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના પેટ્રોલ ડિઝલ પંપ સંચાલકોને મોટી નુકસાની આપી ગયો છે.

એક અંદાજ પ્રમાણે એડવાન્સ પેમેન્ટથી અથવા તો ક્રેડિટથી જે પેટ્રોલપંપ માલિકોએ પેટ્રોલ-ડિઝલની ખરીદી કરી છે તેવા સુરત અને દક્ષિણ ગુજરાતના પેટ્રોલપંપ માલિકોને 800થી 1000 કરોડનું નુકસાન થયું છે. સુરત શહેરના 58 અને દક્ષિણ ગુજરાતના 178 પેટ્રોલ પંપ માલિકોને એડવાન્સમાં પેટ્રોલ-ડિઝલની ખરીદી કરવાનું ભારે પડ્યું છે. પેટ્રોલિયમ કંપનીઓએ ઘણાં પંપ માલિકોની જરૂરિયાત ન હોવા છતાં ઉધાર માલ આપી 2-2 ટેન્કર સ્ટોકના ઉભા રાખ્યા હતા અને આ ખરીદી ક્રેડિટ પર થઈ હતી. જેના બિલ પણ ઈસ્યુ કરી દેવામાં આવ્યા હતા. તે સ્થિતિમાં પંપ માલિકોને નાણા ભરવા પડશે. ગયા વર્ષે દિવાળી કોરોનાની બીજી લહેરની અસર હેઠળ થઈ હોવાથી દિવાળીના આગલા દિવસે અને દિવાળીના દિવસે સુરતના 58 અને દ.ગુજરાતના 178 પંપ માલિકોએ બે દિવસમાં 16 કરોડનું પેટ્રોલ ડિઝલ ખરીદ કર્યુ હતું. જ્યારે ચાલુ વર્ષે 35.60 કરોડનું પેટ્રોલ ડિઝલ માત્ર દોઢ દિવસમાં વેચાયું છે.

દિવાળી વેકેશનમાં ફરવા અથવા વતનમાં જઈ રહેલા લોકોએ વાહનોની ટાંકી આગલા દિવસે ફુલ કરાવતા ભેરવાયા : ઘટેલા ભાવે પેટ્રોલ પુરાવા લાંબી કતારો લાગી
પેટ્રોલ-ડિઝલના ભાવો રોજેરોજ વધી રહ્યા હોવાથી દિવાળી વેકેશનમાં બાય રોડ ફરવા જવા માંગતા અથવા વતને જઈ રહેલા પરિવારોએ દિવાળીઓના આગલા દિવસે કાર સહિતના વાહનોની ટાંકી ફુલ કરાવતાં આ પરિવારોને લિટર પેટ્રોલે 11.50 અને લિટર ડિઝલે 16.98 રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે મધરાતે ભાવ ઘટી જતાં લિટર પેટ્રોલ 95.01 અને ડિઝલ 89.01 રૂપિયાના ભાવે ભરાવવા માટે લોકોએ પેટ્રોલ પંપ પર પડાપડી કરતાં વહેલી સવારથી લાંબી કતારો લાગી હતી

સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રત્યેક પેટ્રોલપંપને 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન: એસોસિએશન
દિવાળીના આગલા દિવસે લિટર ડિઝલનો ભાવ 105.99 રૂપિયા અને પેટ્રોલ લિટરનો ભાવ 106.51 રૂપિયા હતો. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે એકસાઇઝ ડ્યુટી ઘટાડતા પેટ્રોલના ભાવમાં લિટરે 11.50 રૂપિયા અને ડિઝલના ભાવમાં 16.98 રૂપિયાનો ઘટાડો થયો છે. સુરતમાં લિટર પેટ્રોલનો નવો ભાવ 95.01 રૂપિયા અને સ્પીડ પેટ્રોલનો ભાવ 97.74 રૂપિયા થયો છે. એવી જ રીતે ડિઝલનો ભાવ લિટરે 89.01 રૂપિયા થયો છે એટલે કે ફરી પેટ્રોલ ડિઝલના ભાવ 100 રૂપિયાની અંદર આવી ગયો છે. સુરત અને તાપી જિલ્લા પેટ્રોલિયમ ડિલર એસોસિએશનના અગ્રણી બચુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે ઊંચી કિંમતે પેટ્રોલ અને ડિઝલની ખરીદી કરનાર નાના પેટ્રોલપંપ સંચાલકોને સરેરાશ 4 લાખથી વધુનું નુકસાન થયું છે. આ મામલે એસોસિએશન દ્વારા સોમવારે પેટ્રોલિયમ કંપનીઓને રજૂઆત કરવામાં આવશે.

દિવાળીની રજાઓનું બહાનું કાઢી પેટ્રોલિયમ કંપનીઓએ દરેક પંપને 2-2 ટેન્કર ખરીદવા ફરજ પાડી
પંપ સંચાલકોના જણાવ્યા પ્રમાણે દિવાળી વેકેશનમાં પેટ્રોલ ડિઝલના ડેપો, બેન્કો અને સરકારી ઓફિસો બંધ હોવાથી પેટ્રોલિયમ કંપનીઓએ દરેક પંપવાળાઓને પંપ ફુલ કરાવવા ઉપરાંત 2-2 વધારાના ટેન્કર એડવાન્સ પેમેન્ટથી ખરીદવાની ફરજ પાડી હતી. જેમની પાસે એડવાન્સ પેમેન્ટની સગવડ ન હતી તેમને 2-2 ટેન્કર ડિઝલ અને પેટ્રોલ ક્રેડિટ પર આપી સોમવારે પેમેન્ટ જમા કરાવવાની નોટ પણ મોકલી આપી હતી અને તે પછી અચાનક પેટ્રોલ ડિઝલના ભાવ અનુક્રમે 11.50 અને 16.98 રૂપિયા તૂટી જતા પંપમાલિકોને આ એડવાન્સ ખરીદી પર લાખોનું નુકસાન થયું છે. પેટ્રોલિયમ કંપનીઓને અગાઉથી માહિતી હતી કે પેટ્રોલ ડિઝલમાં એકસાઇઝ ડયુટી ઘટાડવામાં આવશે તેનો અવળો લાભ તેમણે ઉઠાવ્યો છે. બીજી તરફ એસોસિએશન હવે એડવાન્સ ખરીદીનું નુકસાન સરભર કરવા માંગ કરી રહ્યું છે.

Most Popular

To Top