
મધ્ય-પૂર્વમાં વધતા ઈરાન-ઈઝરાયેલ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર વ્યાપક અસર પડી છે. સુરક્ષા કારણોસર અનેક દેશોએ એર રૂટ પર પ્રતિબંધો મૂક્યા છે, જેના પરિણામે સાઉદી અરેબિયા જતી અને ત્યાંથી આવતી ઘણી ફ્લાઇટો અચોક્કસ સમય માટે રદ કરવામાં આવી છે. આ પરિસ્થિતિનો સીધો અસર ગુજરાતના યાત્રાળુઓ પર પડી છે. કુલ ગુજરાતના 700 અને સુરત જિલ્લાના 300થી વધુ હાજીઓ રમઝાન મહિનામાં ઉમરાહ માટે મક્કા-મદીનામાં ગયા હતા, પરંતુ હવે ફ્લાઇટ સેવા બંધ થતાં તેઓ ત્યાં જ અટવાઈ ગયા છે. મળતી માહિતી મુજબ મોસાલી, કઠોર, ખોલવડ, કોસંબા, ઓલપાડ, માંગરોળ અને તડકેશ્વર સહિતના વિસ્તારોના લોકો ઉમરાહ અદા કરવા ગયા હતા. ઉમરાહ પૂર્ણ થયા બાદ તેઓ પરત ફરવાના હતા, પરંતુ મધ્ય-પૂર્વમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ફ્લાઇટો રદ થતાં તેમની ઘરવાપસી અટકી ગઈ છે. દુબઈ સહિતના ટ્રાન્ઝિટ એરપોર્ટ પર પણ ઉડાનો રદ થતા પરિસ્થિતિ વધુ જટિલ બની છે.
યાત્રાળુઓના પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે લાંબા સમય સુધી વિદેશમાં રહેવું આર્થિક રીતે મુશ્કેલ બની શકે છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ અને અકાશા જેવી એરલાઇન્સની સેવાઓ અસ્પષ્ટ હોવાથી લોકો સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ ફ્લાઇટ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરીને યાત્રાળુઓને વહેલી તકે સુરક્ષિત પરત લાવવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન મક્કામાં રહેલા હાજી મોહમ્મદ રિઝવાન રંગવાલાએ સોશિયલ મીડિયા મારફતે પરિવારજનોને સંદેશ આપ્યો છે કે મક્કામાં કોઈ ગંભીર પરિસ્થિતિ નથી અને તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે. તેમના જણાવ્યા અનુસાર સમસ્યા માત્ર ફ્લાઇટ રદ થવાને કારણે ઉભી થઈ છે. ઉલ્લેખનીય છે કે સુરત ઉપરાંત ભાવનગરના 13 યાત્રાળુઓ પણ પરત ફરવાના હતા, પરંતુ ફ્લાઇટ રદ થતા તેઓ પણ મક્કામાં અટવાયા છે. હાલ તમામની નજર સરકારના નિર્ણય અને ફ્લાઇટ સેવા પુનઃ શરૂ થવા પર ટકી છે.
વડોદરાથી ઉમરાહ માટે ગયેલા વેપારી ફારૂકભાઈ સોનીએ મક્કામાંથી વીડિયો સંદેશ મોકલી હાલની પરિસ્થિતિ વિશે ચિંતાજનક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે યુદ્ધની સ્થિતિને કારણે એરપોર્ટ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે અને તેઓ હોટલના રૂમમાં જ રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને વૃદ્ધ યાત્રાળુઓ માટે જરૂરી દવાઓ અને જીવનજરૂરી સામાન ખૂટી રહ્યો છે. તેમણે અપીલ કરતાં કહ્યું કે, “અમે માત્ર એ જ પ્રાર્થના કરીએ છીએ કે યુદ્ધ જલ્દી સમાપ્ત થાય અને અમને સલામત રીતે વતન પરત ફરવાની તક મળે.” અમદાવાદથી ગયેલા આશરે 55 યાત્રાળુઓ તો એરપોર્ટ સુધી પહોંચી ગયા હતા, પરંતુ અચાનક ફ્લાઈટ્સ કેન્સલ થતાં તેમને ફરી હોટલમાં મોકલી દેવામાં આવ્યા. અનેક યાત્રાળુઓએ જણાવ્યું કે લાંબા સમય સુધી રોકાવાને કારણે તેમની પાસે નાણાં પણ ખૂટી રહ્યા છે. આખી રાત જાગીને વતન પરત ફરવાની રાહ જોતા આ મુસાફરો હવે ભારત સરકાર પાસે તાત્કાલિક મદદ અને સુરક્ષિત વતન વાપસીની માંગ કરી રહ્યા છે. પરિસ્થિતિ ગંભીર બનતી જતા પરિવારોમાં પણ ચિંતાનો માહોલ છે અને સરકાર તરફથી ઝડપી કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.