સુરત: ઉધના પોલીસ દ્વારા બેન્કિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દેનારા અત્યાર સુધીની સૌથી મોટી સાયબર છેતરપિંડીનો ખુલાસો કરાયો છે. ૧૫૫૦ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના આ કેસમાં ઉધના પોલીસે સુરતમાં આરબીએલ બેંકની ત્રણ શાખા સહારા દરવાજા, વેસુ અને વરાછાના ૮ કર્મચારીની ધરપકડ કરી છે. આ કર્મચારીઓ પર ૧૬૪ નકલી કરંટ ખાતા ખોલવાનો અને દેશભરમાં ૫૦ લાખથી વધુ બચત અને કરંટ ખાતાઓમાંથી ૧૫૫૦ કરોડ રૂપિયાના વ્યવહારો કરવાનો આરોપ છે.
- 1550 કરોડના મેગા સાયબર ફ્રોડ કેસમાં બેન્કકર્મીઓની સંડોવણીથી બેન્કિંગ ક્ષેત્રે ખળભળાટ
- RBL બેન્કના 8 કર્મચારીની ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં ધરપકડ
- સામાન્ય નાગરિકોના ડોક્યુમેન્ટ્સ મેળવી તેના આધારે કરંટ કે સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ ખોલી ઇન્ટરનેશનલ સાયબર માફીયાઓને મદદ કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ
- આઠ કર્મચારીએ 1550 ટ્રાન્જેક્શનમાં 5 કરોડ જેટલી રકમ પડાવી હોવાની હકીકત તપાસમાં સામે આવી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા બેંક કર્મચારીઓ પોતાના આર્થિક લાભ માટે ઇરાદાપૂર્વક આરોપીઓને મદદ કરી રહ્યા હતા. આ બધા કરંટ ખાતા નકલી દસ્તાવેજોના આધારે ખોલવામાં આવ્યા હતા અને બદલામાં બેંક કર્મચારીઓએ આરોપીઓ પાસેથી ૨૦ હજાર રૂપિયાથી લઈને ૨ લાખ રૂપિયા સુધીની લાંચ લીધી હતી.
ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એન. દેસાઈએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા 8 આરોપીમાં એરિયા હેડ અમિત ગુપ્તા, વરાછા શાખાના ઓએસ અરુણ ઘોઘારી, નરેશ મનાણી, કલ્પેશ કથિરિયા, કલ્પેશ કાકડિયા, મેન્સી ગોટી, આશિષ ઘડિયા અને અનિલ જાનીનો સમાવેશ થાય છે.
એસઆઇટીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બધા ખાતાઓનો ઉપયોગ ગેમિંગ, સટ્ટાબાજી અને સાયબર છેતરપિંડી સંબંધિત પ્રવૃત્તિઓમાં થતો હતો. આરોપી કિરાત જાદવાણી, દિવ્યેશ અને વૃંદા ચેટિંગ દ્વારા બેંક કર્મચારીઓ સાથે સતત સંપર્કમાં રહેતા હતા અને કરંટ ખાતા ખોલવા અને ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નકલી કાપડની દુકાનો ખોલતા હતા. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે નાણાકીય નિષ્ણાતોની મદદથી, નાણાકીય તપાસ કરવામાં આવી રહી છે અને 50 લાખથી વધુ ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.
બેંકમાં નકલી કરંટ અને સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા મોટી રકમ વસૂલતા હતા
અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓ અલગ-અલગ લોકોના નામે એકાઉન્ટ ખોલાવતા હતા. તેઓ આ બેંક એકાઉન્ટ્સના આઈડી પાસવર્ડ પોતાની પાસે રાખતા હતા. આ એકાઉન્ટ્સનો ઉપયોગ દેશભરમાં થતી સાયબર છેતરપિંડીમાં થતો હતો. છેતરપિંડી દ્વારા બેંક એકાઉન્ટમાં જમા કરાયેલી રકમ અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેવામાં આવતી હતી. તેને ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરીને ક્યુબા અને અન્ય દેશોમાં કાર્યરત સાયબર માફિયાઓને મોકલવામાં આવતી હતી.
બેંક એકાઉન્ટમાં પૈસા આપતી આ ગેંગ આ કામ માટે કમિશન મેળવતી હતી. ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા ઉધના પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને સ્કૂટરના બૂટમાંથી ઘણાં બેંક એકાઉન્ટ્સ, એટીએમ વગેરેના દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી હતી. આ ગેંગના માસ્ટરમાઇન્ડ કિરાત જાધવાની અને તેના સાથીઓ મીત ખોખર અને મયુર ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ઇન્ટરનેશનલ સાયબર માફીયાઓ બેન્ક કર્મચારીઓને ઇન્ટરનેશનલ સગવડ પૂરી પાડતા હતા
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલા આરબીએલ બેંકના કર્મચારીઓને મદદગારી માટે ઈન્ટરનેશનલ સગવડો પૂરી પાડવામાં આવતી હતી. એટલું જ નહીં પણ તેઓએ આ બેંક કર્મચારીઓને ક્રેડિટ કાર્ડ પણ આપ્યા હતા અને આરોપીઓ દ્વારા ક્રેડિટ કાર્ડ થકી દસ લાખ રૂપિયા સુધીની રકમ કેશ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અન્ય બેંકના કર્મચારીઓની પણ સંડોવણીની આશંકા
જે રીતે ઇન્ટરનેશનલ સાયબર માફીયાઓ સાથે આરબીએલ બેંકના કર્મચારીઓની સંડોવણી સામે આવી છે, તે રીતે અન્ય બેંકના કર્મચારીઓની પણ સાયબર માફીયાઓ સાથે સંડોવણીની આશંકા પ્રબળ બની છે અને તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા આર.બી.એલ બેકના કર્મચારીઓ
- (1)મેન્સી છગનભાઇ ગોટી રહે-પ્લોટ નં-૦૯, વિઠ્ઠલેશ બંગ્લોઝ, સુદામા ચોક
- (2)કલ્પેશભાઇ કાન્તીભાઇ કથેરીયા રહે-પ્લોટ નં-જે/૨૦૪, મંગલમ રેસીડેન્સી, યોગીચોક,
- (3)આશીષભાઇ અશોકભાઇ ધાડીયા રહે-પ્લોટ નં-૨૪૧, રામવાટીકા સોસાયટી, વેલંજા, સુરત
- (4)અનીલભાઇ પ્રવિણભાઇ જાની રહે-એ/૭૦૩, સુમનસાથ સોસાયટી ઉત્રાણ,
- (5)નરેશભાઇ મનસુખભાઇ મનાણી રહે-૭૦, ઔષધ બંગલો કામરેજ,
- (6)અરૂણભાઇ બાબુભાઇ ઘોઘારી રહે-૨૩, ભવના સોસાયટી, લલીતા ચોકડી કતારગામ
- (7)અમીતકુમાર ફુલચંદ ગુપ્તા રહે-એ-૧૦૦૪ નક્ષત્ર એમ્બેસી પાલ ગૌરવ પથ રોડ અડાજણ
- (8)કલ્પેશભાઇ સોમજીભાઇ કાકડીયા રહે, સરીતા સાગર સોસાયટી, નિયર ચીકુવાડી નાના વરાછા