Madhya Gujarat

સાંઢેલી પાસે સરકારી જમીનમાંથી 56 વૃક્ષ કાપી નાંખનારા 8 પકડાયાં

નડિયાદ: ઠાસરા તાલુકાના સાંઢેલી નજીક આવેલ સરદાર સરોવર નિગમની જગ્યામાંથી ગેરકાયદેસર રીતે 56 જેટલાં ગાંડા બાવળના વૃક્ષો કાપી, તેના લાકડા પીકઅપ ડાલામાં ભરી લઈ જતાં આઠ શખ્સોને સ્થાનિક પોલીસે ઝડપી લીધાં હતાં. પોલીસે તેમની પાસેથી રૂ.4750 કિંમતના 95 મણ લાકડાં ભરેલાં બંને પીકઅપ ડાલા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઠાસરા તાલુકાના સાંઢેલી તાબે વિશ્રામપુરા ગામની સીમમાં આવેલ નર્મદા મુખ્ય કેનાલ પાસેની સરદાર સરોવર નિગમ લિમીટેડની માલિકીની જગ્યામાં વિવિધ વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે.

કોઈ તસ્કરો વૃક્ષોનું નિકંદન ન કરે તે માટે જગ્યાની ફરતે સિમેન્ટના થાંભલા રોપી તારની ફેન્સીંગ પણ મારવામાં આવી છે. તેમ છતાં બુધવારના રોજ મોડી સાંજના સમયે કેટલાક ઈસમોએ આ જગ્યામાંથી ગાંડા બાવળના નાના-મોટા ઝાડ કાપી નાંખ્યાં હતાં અને તેના લાકડાં બે પીકઅપ ડાલામાં ભરી લઈ જઈ રહ્યાં હતાં. દરમિયાન ઠાસરા પોલીસની ટીમે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપી, લાકડાની ચોરી કરી લઈ જઈ રહેલાં રામલાલ રતનસિંહ માનકર, ગંગારામ રીસાપરામ માનકર, વિકાસકુમાર શીવરામ માનકર, રાજેશકુમાર રતનસિંહ માનકર અજયભાઈ બીલરભાઈ માનકર (તમામ રહે.વિશ્રામપુરા નગરી, તા.ઠાસરા), શૈલેષભાઈ સુબરભાઈ પરમાર, વિજયભાઈ પર્વતભાઈ વાઘેલા (બંને રહે.પેટલીના મુવાડા તાબે સાંઢેલી તા.ઠાસરા) અને મુકેશ ઉર્ફે ભાણો હમજીયાભાઈ માનકર (રહે.ખડગોધરા, તા.ઠાસરા) ને ઝડપી પાડ્યાં હતાં.

આ અંગેની જાણ થતાં સરદાર સરોવર નર્મદા નિગમ પર્યાવરણ એકમમાં વનપાલ તરીકે ફરજ બજાવતાં અશોકભાઈ ભલુભાઈ તડવી સ્થળ પર આવી પહોંચ્યાં હતાં. તેઓએ તપાસ કરતાં આ જગ્યામાંથી રૂ.4750 કિંમતના ગાંડા બાવળના 56 જેટલાં નાના-મોટા વૃક્ષો કાપી, કુલ 95 મણ જેટલાં લાકડાની ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે અશોકભાઈ ભલુભાઈ તડવીની ફરીયાદને આધારે ઠાસરા પોલીસે વૃક્ષો કાપી, લાકડાની ચોરી કરનાર 8 શખ્સો સામે આઈ.પી.સી કલમ 379, 114, સાર્વજનિક મિલ્કતોને નુકશાન અટકાવવાના અધિનિયમની કલમ 3 તેમજ વૃક્ષછેદન ધારાની કલમ 3 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top