SURAT

સુરતમાં એક રાતમાં 8 ગણેશ મંડપમાં ચોરી, એક મૂર્તિ ખંડિત થતા ભક્તોમાં રોષ, ચોર પકડાયા

સુરતઃ ચોર લૂંટારાઓના કોઈ ધર્મ ઈમાન હોતા નથી તે વાત ફરી એકવાર સાબિત થઈ છે. મંગળવારની એક જ રાતમાં શહેરના કોટ વિસ્તારમાં 8 ગણેશ મંડપમાં ચોર પેસ્યા હતા અને ચાંદી-તાંબાના કળશ, દીવા, મૂર્તિ તેમજ પ્રભુને શ્રદ્ધાથી ભક્તોએ પહેરાવેલા રૂપિયાના હાર ચોરી ગયા હતા.

ચોરટાઓએ દારૂખાના રોડના એક મંડપમાં શ્રીજીની મૂર્તિને ખંડિત કરતા ભક્તોની લાગણી ઘવાઈ હતી. મંડપમાં ચોરી થઈ હોવાનું સવારે ખબર પડતા ભક્તો ભેગા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો, જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તપાસ શરૂ કરી તો બીજી તરફ ખંડિત મૂર્તિનું ભાવપૂર્વક વિસર્જન કરી ભક્તોએ નવી મંગલમૂર્તિની સ્થાપ્ના કરી હતી. જોકે, અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે સરકાર દ્વારા પ્રત્યેક મોટા ગણેશ મંડળોને સીસીટીવી કેમેરા લગાવવા ફરજ પડાઈ છે તેમજ કોઈ ટીખળ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે ચોર કેવી રીતે ત્રાટક્યા. ક્યાંકને ક્યાંક પોલીસ વિભાગની નિષ્ફળતા છતી થઈ રહી હોવાની ચર્ચા ઉઠી છે.

ઘટના શું બની?
મહીધરપુરા વિસ્તારમાં એક જ રાતમાં આઠ ગણેશ મંડપમાં ચોરટા ત્રાટક્યા હતા. મહીધરપુરાના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ 8 ગણેશ મંડપમાં ઘુસી ચોરોએ ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે.

ચોરી થઈ તે મંડપોમાં રાત્રિના 2 વાગ્યા સુધી ભક્તોની અવરજવર રહેતી હોય છે. ભક્તો જતા રહ્યાં ત્યાર બાદ બે ચોરે આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે. 50 મીટરના અંતરે આવેલી ચાર ગલીના ચાર મંડપમાં ચોરીની ઘટના બની છે. એક બાદ એક ગલીમાં જઈને દરેક ગણેશ મંડપમાં ચોરી કરવામાં આવી છે. ગણેશજીની ચાંદી અને પિત્તળની મૂર્તિની ચોરાઈ છે.

એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી થતાં ભક્તોમાં રોષ ફેલાયો છે. ઘટનાના પગલે ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ દોડી ગયા હતા.

ચોર હિન્દુ સમાજના જ છેઃ ડીસીપી રાઘવ જૈન
ડીસીપી રાઘવ જૈને આ મામલે નિવેદન આપતા કહ્યો કે, તપાસ દરમિયાન એવી હકીકત બહાર આવી છે કે ચોરી હિન્દુ સમાજના જ છે. આ ઘટના માત્ર ચોરીની છે, કોઈ ધાર્મિક તણાવ ઊભો કરવાનો ઈરાદો નથી.

ખંડિત મૂર્તિનું વિસર્જન, નવી મૂર્તિની સ્થાપ્ના
ચોર ઈસમો દ્વારા ગણેશ મંડપોમાં ચોરી કરાઈ હતી આ સાથે જ દારૂખાના રોડ પરના એક મંડપમાં મંગલમૂર્તિને ખંડિત પણ કરી દેવાઈ હતી, જેના પગલે ભક્તોની લાગણી દુભાઈ હતી. જોકે, આયોજકો દ્વારા તાત્કાલિક જ ખંડિત મૂર્તિનું વિસર્જન કરી નવી મૂર્તિની સ્થાપ્ના કરી દેવામાં આવી હતી.

સવારે ચોર પકડાઈ ગયા
એક સાથે 8 ગણેશ પંડાલોમાં ચોરીની ઘટના બનતા શહેર પોલીસ દોડતી થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક આ કેસમાં તપાસ શરૂ કરીને બે ચોર ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ ચોર ઈસમો પાસેથી ક્રાઈમ બ્રાન્ચે મંડપોમાંથી ચોરાયેલો મુદ્દામાલ પણ કબ્જે લીધો હતો. પોલીસે ચોર પાસે કાન પકડાવ્યા હતા.

Most Popular

To Top