Columns

બિહારના ૮ કરોડ મતદારોએ તેમની નાગરિકતા પુરવાર કરવી પડશે

બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારા અંગેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. વિપક્ષો ચૂંટણી પંચ (EC) ને મળ્યા છે અને પંચની પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા નિયમિત રીતે મતદાર યાદીની સુધારણાની પ્રક્રિયા ચાલતી હોય છે, પણ ચૂંટણી પંચે બિહારની ચૂંટણી પહેલા તમામ ૮ કરોડ મતદારોને તેમનું વેરિફિકેશન કરવાનું કહ્યું છે. આ વેરિફિકેશનમાં નાગરિકતાના પુરાવા તરીકે આધાર કાર્ડને પણ માન્ય રાખવામાં આવતું નથી.

વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી પંચ દ્વારા ૧૯૮૭ પહેલાના દસ્તાવેજોને ફરજિયાત બનાવવા અને સુધારાની ઝડપી પ્રક્રિયા કરોડો લોકોને મતદાનથી વંચિત રાખવાનું કાવતરું છે. લગભગ ૮ કરોડ મતદારોની યાદીના સુધારા દરમિયાન વર્ષ ૨૦૦૩ પછી નોંધાયેલા મતદારોએ જન્મ પ્રમાણપત્ર અને જન્મ સ્થળનું પ્રમાણપત્ર આપવું પડશે. આ કારણે ગ્રામીણ વિસ્તારોના અને ગરીબ મતદારોને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેજસ્વી યાદવ, અસદુદ્દીન ઓવૈસી અને અન્ય વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચને મળીને આ મુદ્દો ઉઠાવ્યો છે. ચૂંટણી પંચે ૨૫ દિવસનો સમય આપ્યો છે, પરંતુ વિપક્ષ તેને અપૂરતો માની રહ્યો છે. આ મામલો હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે.

બિહારમાં ચૂંટણી પહેલા Special Intensive Revision (SIR) કરાવવાના ચૂંટણી પંચના નિર્ણય સામે વિરોધ પક્ષો કોંગ્રેસ, NCP (શરદ પવાર), શિવસેના (ઉદ્ધવ ઠાકરે), સમાજવાદી પાર્ટી, JMM, CPI અને CPI(ML) ના નેતાઓ દ્વારા સંયુક્ત અરજી સહિત અનેક નવી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. RJD સાંસદ મનોજ ઝા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા અલગ અલગ અરજીઓ ઉપરાંત, કોંગ્રેસના કે.સી. વેણુગોપાલ, શરદ પવાર NCP જૂથના સુપ્રિયા સુલે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના ડી. રાજા, સમાજવાદી પાર્ટીના હરિંદર સિંહ મલિક, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ના અરવિંદ સાવંત, ઝારખંડ મુક્તિ મોરચાના સરફરાઝ અહેમદ અને CPI(ML) ના દીપાંકર ભટ્ટાચાર્યએ સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા (SIR)કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ કરી હતી.

વિપક્ષી પક્ષો અને ADR દ્વારા દાખલ કરાયેલી અરજીઓ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સ્વીકારી લીધી હતી. આ અરજીઓમાં પાંચ મોટા પ્રશ્નો ઉભા થયા છે. પહેલો પ્રશ્ન બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન છે. વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે ચૂંટણી પંચનો નિર્ણય લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ અને મતદારોની નોંધણી નિયમો, ૧૯૬૦ના નિયમ ૨૧એ તેમજ બંધારણના અનુચ્છેદ ૧૪, ૧૯, ૨૧, ૩૨૫ અને ૩૨૬નું ઉલ્લંઘન કરે છે.

બીજો પ્રશ્ન નાગરિકતા, જન્મ અને રહેઠાણ અંગેના મનસ્વી નિયમો છે. કાર્યકર્તાઓ અરશદ અજમલ અને રૂપેશ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતા, જન્મ અને રહેઠાણ સંબંધિત અસંગત દસ્તાવેજો લાદવાની પ્રક્રિયા મનસ્વી છે. ત્રીજો પ્રશ્ન એવો નિર્ણય જે લોકશાહી સિદ્ધાંતોને નબળા પાડે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ચૂંટણી પંચના મતદાર ચકાસણીના નિર્ણયને લોકશાહી સિદ્ધાંતોને નબળા પાડતો ગણાવવામાં આવ્યો છે.

ચોથો પ્રશ્ન ગરીબો પર અસમાન બોજનો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચની આ પ્રક્રિયા ગરીબો, સ્થળાંતર કરનારાઓ તેમ જ મહિલાઓ અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથો પર અસમાન બોજ નાખશે. પાંચમો પ્રશ્ન પ્રક્રિયા ખોટા સમયે શરૂ થઈ છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ પ્રક્રિયા ખોટા સમયે શરૂ કરવામાં આવી છે, જેના કારણે કરોડો મતદારો તેમના મતદાનના મૂળભૂત અધિકારથી વંચિત રહેશે.

અરજદારોના વકીલે સુપ્રીમ કોર્ટમાં એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ચૂંટણી પંચ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ૧૧ દસ્તાવેજો સ્વીકારી રહ્યું છે, પરંતુ આધાર કાર્ડ અને મતદાર ઓળખપત્ર જેવા મહત્વપૂર્ણ ઓળખ કાર્ડને માન્યતા આપવામાં આવી રહી નથી. તેમણે કહ્યું કે જ્યારે આધાર અને મતદાર ID ને દેશભરમાં ઓળખના સૌથી વિશ્વસનીય દસ્તાવેજો માનવામાં આવે છે, ત્યારે તેમને આ પ્રક્રિયાથી દૂર રાખવા તાર્કિક નથી. આનાથી આખી સિસ્ટમ મનસ્વી અને ભેદભાવપૂર્ણ લાગે છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચને આ મામલે કોઈ સત્તા નથી. આપણે નાગરિક છીએ કે નહીં તે કહેવાવાળા તેઓ કોણ છે? વિપક્ષો દ્વારા કરવામાં આવેલા આરોપો અંગે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે જેમનાં નામ ૧ જાન્યુઆરી, ૨૦૦૩ ના રોજ જાહેર કરાયેલી મતદાર યાદીમાં છે, તેમને બીજા કોઈ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં. ચૂંટણી પંચે કહ્યું કે બંધારણની કલમ ૩૨૬ હેઠળ તે બધા લોકોને ભારતના પ્રાથમિક નાગરિક ગણવામાં આવશે, જેમનાં માતા-પિતાનાં નામ તે સમયની મતદાર યાદીમાં નોંધાયેલા છે. તેમણે ફક્ત તેમની જન્મ તારીખ અને જન્મ સ્થળ સંબંધિત દસ્તાવેજો ચૂંટણી પંચને આપવાના રહેશે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી મતદાર યાદીના સુધારા અંગે પ્રશ્નો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે તમારે આ પ્રક્રિયા જલ્દી શરૂ કરવી જોઈતી હતી. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે બિહારમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારાને પડકારતી અરજીઓ પર તેને કેટલાક વાંધાઓ છે. અરજદારે જણાવ્યું હતું કે બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારાની પ્રક્રિયા મનસ્વી રીતે ચાલી રહી છે. આધાર અને મતદાર કાર્ડ શા માટે સ્વીકારવામાં આવી રહ્યા નથી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું નિયમોમાં સ્પષ્ટતા છે કે સુધારો ક્યારે કરવાનો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ જે કરી રહ્યું છે તે તેની બંધારણીય જવાબદારી છે. ચૂંટણી પંચ તે કેવી રીતે કરાવવાનું છે તે નક્કી કરશે. કાયદામાં ખાસ સુધારાની જોગવાઈ છે. મતદાર ચકાસણી માટે જરૂરી દસ્તાવેજોમાંથી આધાર કાર્ડને બાકાત રાખવા અંગે ચૂંટણી પંચે કહ્યું કે આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી. આના પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું કે તમે મતદાર યાદીના ખાસ સુધારામાં નાગરિકતાનો મુદ્દો કેમ ઉઠાવી રહ્યા છો? આ ગૃહ મંત્રાલયનું અધિકારક્ષેત્ર છે. જો તમારે નાગરિકતાની ચકાસણી કરીને તપાસ કરવી જ હતી, તો તમારે તે વહેલા કરવું જોઈતું હતું. હવે મોડું થઈ ગયું છે.

અરજદારોના વકીલ ગોપાલ એસ. એ જણાવ્યું હતું કે આ મતદાર યાદીનું પુનરાવર્તન છે. તે માટે એકમાત્ર સંબંધિત જોગવાઈ ૧૯૫૦ નો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ છે. મતદાર યાદીનું નિયમિત પુનરાવર્તન કાયદા અને નિયમો હેઠળ કરી શકાય છે. ઊંડાણપૂર્વકના પુનરાવર્તનમાં સમગ્ર મતદાર યાદી ભૂંસી નાખવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા નવી હોય છે, જેમાંથી તમામ ૭.૯ કરોડ મતદારોએ પસાર થવું પડે છે.

અહીં જે બન્યું તે એક ખાસ ઊંડાણપૂર્વકનું પુનરાવર્તન કરવાનો આદેશ આપવાનો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમસ્યા સુધારણા પ્રક્રિયાની નથી. બલ્કે સમસ્યા આ માટે પસંદ કરેલા સમયની છે. ચૂંટણી પંચના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે, જેનો મતદારો સાથે સીધો સંબંધ છે. જો મતદારો નહીં હોય તો ચૂંટણી પંચ અસ્તિત્વમાં રહેશે નહીં. ચૂંટણી પંચ કોઈને મતદાર યાદીમાંથી બાકાત રાખવાનો ઇરાદો ધરાવતું નથી, સિવાય કે કાયદાની જોગવાઈઓ દ્વારા આમ કરવાની ફરજ પાડવામાં આવે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી ત્રણ મુદ્દાઓ પર જવાબ માંગ્યા છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના વકીલને કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે કોર્ટ સમક્ષનો મુદ્દો લોકશાહીના મૂળ અને મતદાનના અધિકાર સાથે સંબંધિત છે. અરજદારો માત્ર ચૂંટણી પંચના ચૂંટણી કરાવવાના અધિકારને જ પડકારી રહ્યા નથી, પરંતુ તેની પ્રક્રિયા અને સમયને પણ પડકારી રહ્યા છે. આ ત્રણ મુદ્દાઓનો જવાબ આપવાની જરૂર છે. અગાઉ જસ્ટિસ ધુલિયાએ ચૂંટણી પંચના વકીલને કહ્યું હતું કે નાગરિકતા માટેની પ્રક્રિયામાં પુરાવાઓનું કડક મૂલ્યાંકન થવું જોઈએ. જો તમારે બિહારમાં મતદાર યાદીના SIR હેઠળ નાગરિકતા તપાસવી હોય તો તમારે વહેલાં પગલાં લેવા જોઈતાં હતાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top