આણંદ : આણંદ જિલ્લામાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પરના પ્રતિબંધને લઇને પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવી છે. જેમાં 89 કેસમાં 104 વેપારીને પકડી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 8813 ફિરકી પણ જપ્ત કરી છે. આણંદના નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. પંચાલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના તહેવારમાં શોખીનો ચાઇનીઝ તુક્કલ, પ્લાસ્ટીકની દોરીનો ઉપયોગ કરે છે. જેના કારણે પશુ પક્ષી તેમજ માનવ જાતને નુકશાન થાય છે. તુક્કલના ઉપયોગથી આગના બનાવ પણ બને છે. આ પ્રકારના બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રવિણકુમાર દ્વારા કલેક્ટરને દરખાસ્ત મોકલી હતી.
જેથી કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી સમગ્ર જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ ફરમાવ્યો છે. આ દોરીનો ઉપયોગ ન કરવા પ્રતિબંધ જાહેર કર્યો છે. પતંગ ચડતી હોય છે ત્યારે જીઇબીના વાયર સાથે ટચ થવાથી આગના બનાવ બને છે. પતંગ લુંટવા માટે જાહેર સ્થળે બાળકો અને વ્યક્તિઓ દોડાદોડી કરે છે ત્યારે પણ અકસ્માતના બનાવ બને છે. પતંગ પર ધર્મની લાગણી દુભાય તેવા લખાણો કરાતા હોય છે. આવા બનાવો રોકવા માટે જાહેરનામું બહાર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. આ જાહેરનામા ભંગ બદલ 89 કેસ કરવામાં આવ્યાં છે. 104 આરોપીની ધરપકડ કરી 8813 ફિરકી સહિત કુલ 11.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આથી, પોલીસ વિભાગ દ્વારા પ્રજાને અપીલ કરવામાં આવી છે કે ચાઇનીઝ દોરી, પ્લાસ્ટીકની દોરીનો ઉપયોગ ન કરવા. જાહેરનામાનું ચુસ્ત પાલન કરવા જરૂરી છે.
ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા અંગે કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી શકાશે
આણંદ જિલ્લામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મુકવામાં આવેલા પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરવા માટે પ્રજાને પણ સાથ આપવા અપીલ કરવામાં આવી છે. આ સંદર્ભે કોઇ પણ વ્યક્તિ ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે 100 નંબર પર એટલે કે કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી શકશે.