લીમખેડા: દાહોદ તાલુકાના ખરોડ ગામે રહેતા લાલુભાઇ જોખનાભાઈ નીનામા તેમની જીજે 23 W 8005 નંબરની પીકઅપ ગાડીમાં પરિવારજનો સાથે પાવાગઢ માતાજીના દર્શન કરી પરત પોતાના ગામ જઈ રહ્યા હતા.લાલુભાઈ પોતે ગાડી ચલાવતા હતા જ્યારે તેમની પત્ની કપિલાબેન તથા કાકાનો પુત્ર વિશ્વાસ શૈલેષભાઈ નિનામા બાજુની સીટમાં બેઠા હતા.આ ઉપરાંત તેમના પરિવારના પ્રવિતાબેન લાલુભાઇ નિનામા પૂર્વાબેન મહેશભાઈ નીનામા જીગીશાબેન મુકેશભાઈ નીનામા પ્રિયંકાબેન રમેશભાઈ નિનામાં વિગેરે પીકઅપના પાછળના ડાલામાં બેઠા હતા.
હાઈવે રસ્તા ઉપર લાલુભાઇ ગાડી ચલાવી રહ્યા હતા.તે દરમિયાન પીપલોદ લીમખેડા વચ્ચે પ્રતાપપુરામાં અચાનક માસુમ બાળક વિશ્વાસ નીનમાએ ગાડીનું સ્ટેરીંગ પકડી લેતા લાલુભાઈએ સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા પીકઅપ ગાડી રસ્તાનું ડિવાઇડર કૂદી રસ્તો છોડી દોડવા લાગી હતી.અને હાઈવે રસ્તાથી થોડે દૂર કાંતિભાઈ સાંકળભાઈ રાવળના ખેતરમાં આવેલા વીસ ફૂટ પાણી ભરેલા અવાવરૂ કૂવાની પાળમાં ફસાઈ હતી.
તે સમયે પીકઅપમાં બેઠેલા યાત્રાળુઓમાં ચીસાચીસ મચી જવા પામી હતી. બનાવની જાણ લીમખેડા DYSP ડૉ. કાનન દેસાઈને થતા તેઓએ તાત્કાલિક લીમખેડા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. ડામોરને સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચવા માટે સુચના આપી હતી. લીમખેડા પો.ઇ.એમ.જી.ડામોર પોસઇ આર.એ.પટેલ તથા સ્ટાફનાં માણસો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ સૂઝબૂઝ અને સતર્કતાથી ક્રેનની મદદ તથા અન્ય લોકોના સહયોગથી પીકઅપ ગાડીને કુવાની પાળમાંથી બહાર કાઢી હતી. ગાડીમાંથી હેમખેમ બહાર નીકળેલા લાલુભાઈ ખરાડના પરિવારજનોમાં હાશકારો તથા જીવ બચ્યાની રાહત જોવા મળી હતી. યાત્રાળુઓ તથા વાહનને કોઈ પણ નુકસાની નહી થતા લાલુભાઇએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.