શહેરના ઉધના વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં એક એપાર્ટમેન્ટના 12માં માળેથી ધો. 7માં ભણતા વિદ્યાર્થીએ મોતનો કૂદકો માર્યો છે. વિદ્યાર્થીના આત્યાંતિક પગલાંને લીધે પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉધના વિસ્તારમાં આવેલી શુભમ રેસિડેન્સીના નવમા માળેથી 12 વર્ષીય વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હોવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થી લિફ્ટમાં એપાર્ટમેન્ટના નવમા માળે ગયો હતો, જે સીસીટીવી ફૂટેજથી જાણી શકાયું છે. પરીક્ષા ચાલતી હોવાના લીધે માતા પિતાએ વાંચવા બાબતે ઠપકો આપતાં માઠું લાગી ગયું હોય અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે. એકના એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં સરી પડ્યો છે.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધનાના પ્રભુનગર સોસાયટીમાં 12 વર્ષીય અવનીશ સુશીલ તિવારી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને અવનીશ હતો. અવનીશ ઘરની નજીક આવેલી સ્કૂલમાં ધો. 7માં ભણતો હતો. હાલ પરીક્ષા ચાલતી હતી. આજે બીજું પેપર હતું. વાંચવા બાબતે માતા પિતાએ અવનીશને ઠપકો આપ્યો હતો. પરંતુ તેને વાંચવાનું પસંદ નહોતું.
માતાપિતાએ આપેલો ઠપકો તેને પસંદ પડ્યો નહોતો. તેને ખોટું લાગી ગયું હતું. તે સવારે ઘરેથી નીકળી ગયો હતો. 500 મીટર દુર આવેલી શુભમ રેસિડેન્સીમાં પહોંચી ગયો હતો. લિફ્ટમાં રેસિડેન્સીના ટેરેસ પર જતો રહ્યો હતો. તે સીસીટીવીમાં કેદ થયો હતો. નવમા માળે પહોંચ્યા બાદ અવનીશે મોતની છલાંગ લગાવી દીધી હતી. નીચે પટકાતા જ તેનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. અવનીશને કોઈ ઓળખતું નહોતું. પોલીસે તેની ઓળખ પ્રસ્થાપિત કરવા પ્રયાસ કર્યા હતા. લાશને સ્મીમેરમાં ખસેડાઈ હતી. દરમિયાન પરિવારને જાણ થતા પરિવાર હોસ્પિટલ દોડી ગયો હતો. ત્યાર બાદ પોલીસે પંચનામું કરી તપાસ હાથ ધરી હતી.