યુકેના શેફીલ્ડ ખાતે રહેતા એક વયોવૃદ્ધ પેન્શનરે માચીસની સળીઓનો ઉપયોગ કરીને વિશ્વની કેટલીક પ્રસિદ્ધ ઇમારતોની નાની પ્રતિકૃતિઓ બનાવી છે જેમાં નોટ્રા ડેમ દેવળ અને લંડનના ટાવર બ્રિજનો સમાવેશ થાય છે.
શેફીલ્ડમાં રહેતા ડેરિક નામના ૮૭ વર્ષના વૃદ્ધે લૉકડાઉન દરમ્યાન પોતાના ઘણા પ્રોજેક્ટો પુરા કર્યા છે અને કેટલાક બાકીના પ્રોજેકટો વર્ષના અંત સુધીમાં પુરા થવાની અપેક્ષા છે. તેણે નોટ્રા ડેમ દેવળ, ટાવર બ્રિજ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિઓ બનાવી છે. આ ઉપરાંત તેણે નાનુ વ્હાઇટ હાઉસ પણ બનાવ્યું છે.
તેણે હાલમાં બનાવેલી છેલ્લામાં છેલ્લી પ્રતિકૃતિ ધ મિસિસિપી બોટ છે. આ પ્રતિકૃતિઓ બનાવવા તેણે અસંખ્ય કલાકો પોતાના ઘરના કીચનમાં વીતાવ્યા છે અને હજી તો કેટલીક પ્રતિકૃતિઓ પર કામ ચાલુ છે.
ચીનના ટેમ્પલ ઑફ હેવનની પ્રતિકૃતિ માચીસની ૨૨૦૦૦ સળીઓ વડે બનાવાઇ
ચીનના બૈજિંગ શહેરમાં આવેલ જાણીતી પ્રાચીન ઇમારત ટેમ્પલ ઑફ હેવનની એક પ્રતિકૃતિ ઇજિપ્તના એક કલા શોખીને બનાવી છે અને તે માચીસની હજારો સળીઓ વડે બનાવવામાં આવી છે.
વ્યવસાયે રેડિયોલોજીસ્ટ એવા ઇજિપ્તના અહમદ હસન નામના નાગરિકે જ્યારે ચીનના આ પ્રાચીન મંદિરની ઇમારત જોઇ ત્યારે તેઓ એટલા બધા પ્રભાવિત થઇ ગયા હતા કે તેમણે તેની નાની પ્રતિકૃત બનાવવાનો નિર્ણય લીધો હતો. તેમણે માચીસની ૨૨૦૦૦ જેટલી સળીઓનો ઉપયોગ કરીને આ કલાત્મક ઇમારતની પ્રતિકૃતિ બનાવી છે.
સને ૧૪૨૦માં બનેલ ચીનના ટેમ્પલ ઓફ હેવન મંદિરમાં ચીનના મિંગ અને કિંગ વંશના શાસકો સારા પાક માટે પૂજા કરતા હતા. વર્ષ ૨૦૧૮માં આ મંદિરને એક પબ્લિક પાર્કમાં ફેરવી નાખવામાં આવ્યું હતું.