Gujarat

હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે

રાજ્યમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસને ધ્યાને લઈને રાજ્ય સરકારે હવે માત્ર 8 મહાનગરોમાં જ કફર્યુનો અમલ ચાલુ રાખવાનું નક્કી કર્યુ છે. જ્યારે અન્ય 10 શહેરોમાંથી કફર્યુ હટાવવામાં આવ્યો છે. જેમાં ગાંધીધામ, ભૂજ, મોરબી, પાટણ, ભરૂચ, મહેસાણા, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપી શહેરનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યુનો અમલ કરાશે. આ રાત્રિ કર્ફ્યુ તા.૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.

કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો હતો કે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તે મહાનગરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના ૯ વાગ્યાથી રાત્રિના ૯ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧-૦૭-૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.)

રેસ્ટોરન્ટ્સ રાત્રિના ૯ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧-૦૭-૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા રેસ્ટોરેન્ટ્સ ચાલુ રાખી શકાશે નહીં, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ્સ Home deliveryની સુવિધા રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકશે.

જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧-૦૭-૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી.) જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૯ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે.

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૪૦ વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.

ધો.૯થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ-ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે યોજી શકાશે.

વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧-૦૭-૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહીં.

એસટી બસો મહત્તમ ૭૫% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.) પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ, સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. (રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧-૦૭-૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી). શૈક્ષણિક સંસ્થાઓ(ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે.

Most Popular

To Top