મહારાષ્ટના વિદર્ભ પ્રદેશના યવતમાલ જિલ્લામાં દારૂની તલપ લાગતા અને દારૂ નહીં મળતા આઠ દારૂડિયાઓ સેનેટાઇઝર પી ગયા હતા જેમાંથી સાત જણા સારવાર દરમ્યાન માર્યા ગયા હતા જ્યારે એકની હાલત હજી ગંભીર હોવાનું જણાવાય છે.
મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં હાલ લૉકડાઉન હોવાને કારણે શરાબની દુકાનો બંધ છે. એવું જણાવવામાં આવે છે કે શુક્રવારે મોડી રાત્રે યવતમાલના વણી ગામમાં ૮ ગ્રામીણોએ એક સાથે બેસીને સેનિટાઇઝર પીધું હતું. રાત્રે જ તેમની તબિયત બગડી ગઇ.
તેમના કુટુંબીજનો તેમને હોસ્પિટલ લઇ ગયા જ્યાં સાતના મોત થઇ ગયા અને એકની હાલત ગંભીર છે. વણી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકો તમામ મજૂરો હતા.
તેમને દારૂ નહીં મળતા તેમણે સેનિટાઇઝર પી લીધું હતું. ૩નો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો જ્યારે બાકીના મૃતકોના કુટુંબીજનોએ અધિકારીઓને જાણ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા. આ મામલે ડીએમએ તપાસનો આદેશ જારી કર્યો છે.