Gujarat

ગુજરાત સરકારની નવી જાહેરાત: 3 મહિનામાં 7500 કાયમી શિક્ષકોની ભરતી કરાશે

ગાંધીનગર: ટેટ-ટાટ પરીક્ષા પાસ કરવા બાદ પણ નોકરી નહીં મળતા મંગળવારે ગાંધીનગરમાં ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેના 24 કલાક બાદ ગુજરાત સરકારે આગામી 3 મહિનામાં રાજ્યમાં 7500 જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં થયેલી ચર્ચા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઈન એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે. ટેટ સેકન્ડરી અને ટેટ હાઈર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી અનુસાર કાયમી ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ટેટ-1 અને ટેટ-2 ઉમેદવારોની ભરતીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત મંત્રીએ કરી હતી.

વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે માધ્યમિક એટલે કે ધો. 9 અને ધો. 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ ઈન એડ શાળામાં 3000 એમ કુલ 3500 ટેટ-1 પાસ ઉમેદવારોની ભરતી કરાશે, જ્યારે ઉચ્ચત્ર માધ્યમિક એટલે કે ધો. 11 અને ધો. 12માં સરકારી શાળામાં 750 તેમજ ગ્રાન્ડ ઈન એડ શાળામાં 3250 મળી ટેટ-2ના કુલ 4000 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

તાજેતરમાં 1500 એચએમએટી પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કરાઈ છે. રાજ્યમાં છેલ્લાં 10 વર્ષમાં કુલ 18,382 શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, મંત્રીએ જાહેરાત કરી તેના એક દિવસ પહેલાં તા. 18 જૂનને મંગળવારે ગાંધીનગરમાં શિક્ષકોની કાયમી ભરતી કરવાના બદલે રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરવામાં આવતા ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોએ ગાંધીનગર માથે લીધું હતું. કાયમી ભરતીની માંગ સાથે આ ઉમેદવારોએ ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યું હતું. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ટીંગાટોળી કરી પોલીસે ઉમેદવારોને પોલીસ વેનમાં બેસાડ્યા હતા.

Most Popular

To Top