વલસાડ: વલસાડના પટેલ સમાજના મોભીએ મેડિકલ સ્ટુડન્ટ્સ ના અભ્યાસ માટે પોતાના દેહ દાનનો સંકલ્પ કર્યો હતો. જેને તેમના સંતાનોએ પૂર્ણ કરવા તેમના દેહને મેડિકલ કોલેજને અર્પણ કર્યો હતો.
મોગરાવાડી નિવાસી 75 વર્ષીય શાંતીભાઈ પટેલનું 1 જૂનના રોજ અવસાન થયું હતું. તેમના અવસાન બાદ તેમના દિકરા દેવાંગભાઈ અને કિર્તીભાઈએ માનવ સેવા માટે ઉમદા પગલું ભરતાં રમેશભાઈ ફુલેત્રાનો સંપર્ક કરી શાંતીભાઈના દેહ અને આંખો દાન આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
જાણકારી મળતાં ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડે તરત જ પ્રક્રિયા આરંભી હતી. RNCની ટીમે ચક્ષુદાન માટે બંને આંખો સ્વીકારી લીધી અને RMD કોલેજ, વાઘલધરા તરફથી ડૉ. યોગેશભાઈની ટીમે ડૉ. હર્ષભાઈ રાબડીયાની ઉપસ્થિતિમાં દેહદાન સ્વીકાર્યું.
વિશેષરૂપે ઉલ્લેખનીય છે કે શાંતીભાઈ પટેલે પોતાની હયાતી દરમિયાન દેહદાન માટે સંકલ્પપત્ર પણ ભરી દીધેલું હતું. ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડે શાંતીભાઈના પરિવારજનોનો આ ભવ્ય સેવાકાર્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને તેમના આ સન્માનનીય કાર્યને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યું છે.