અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગથી અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેડીયોથેરાપી સારવારને લગતા વિવિધ મશીનો દર્દીઓની સેવામાં કાર્યરત કરાવવામાં આવ્યા છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની નવી બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. તેઓએ આ નવી બિલ્ડીંગમાં મુકાયેલા અત્યાધુનિક મશીનો અંગે જાત માહિતી મેળવી હતી.
સમગ્ર દેશની સરકારી હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની રેડીયોથેરાપી માટેના આ પ્રકારના અત્યાધુનિક મશીન કાર્યરત કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રકારના રેડીયોથેરાપી મશીન કેન્સરગ્રસ્ત દર્દીઓના કેન્સરગ્રસ્ત અંગ અથવા કોશિકાના માઇક્રો અથવા મિલીમીટર જેટલા ભાગનું પણ નિદાન કરીને સારવાર કરવામાં સક્ષમ છે. રેડીયોથેરાપી મશીનરી દેશની જૂજ હોસ્પિટલમાં જ જોવા મળે છે, તેમ જણાવી અમેરિકા અને યુરોપ જેવા દેશમાંથી આ પ્રકારના મશીન સરકારી ખર્ચે ઉપલબ્ધ થયા હોવાનું તેમણે કહ્યું હતું .
મેડિસીટી ખાતે પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અગાઉ સમગ્ર રાજ્યમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલ જ એકમાત્ર કેન્દ્ર હતું. જે કારણોસર અહીં દર્દીઓનો ધસારો જોવા મળતો હતો. કેન્સરની સર્જરીમાં પણ લાબું વેઇટિંગ જોવા મળતું હતું.
કેન્સર હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં 600 પથારી, 15 ઓપરેશન થીયેટર
રાજ્ય સરકારે આ સ્થિતિ પારખીને દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા જામનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ કેન્સર હોસ્પિટલ કાર્યરત કરીને સ્થાનિક સ્તરે જ કેન્સરગ્રસ્ત દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.હાલ કેન્સરના જૂના બિલ્ડીંગમાં 300 પથારી કાર્યરત છે. કેન્સર હોસ્પિટલનું નવું બિલ્ડીંગ સંપૂર્ણ પણે કાર્યરત બનતા કેન્સરગ્રસ્ત દર્દઓની સારવારમાં કુલ 600 પથારીની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. આ નવા બિલ્ડીંગમાં 15 ઓપરેશન થીયેટર બનાવવામાં આવ્યા છે અને બોનમેરો ટ્રાન્સ્પ્લાન્ટ માટેની સુવિધાઓ ત્રણ ગણી વધારવામાં આવી છે.
75 કરોડના રેડિયોથેરાપી સારવાર માટેના મશીનની વિગતો
અહીં અંદાજીત 16.30 કરોડના ખર્ચે અમેરિકન કંપનીનું ટ્રુબીમ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે. જે મોઢા તથા ગળાના, ગર્ભાશયના, સ્તન, પ્રોસ્ટેટના, ફેફસા અને બ્રેઇન કેન્સરના સચોટ નિદાન અને સારવારમાં અત્યંત અસરકારક સાબિત થશે. આ મશીનથી જે ભાગમાં બિમારી હોય તેટલા ભાગને જ રેડિયોથેરાપીની સારવાર આપવામાં આવે છે. જેના કારણે શરીરના અન્ય ભાગમાં રેડીયશનની આડઅસરની સંભાવના ઘટી જાય છે.
ટોમોથેરાપી મશીન
અંદાજીત 22 કરોડના ખર્ચે ટોમોથેરાપી મશીન કાર્યરત કરવામાં આવ્યું છે. જેના દ્વારા શરીરના જેટલા ભાગમાં કેન્સર હોય તે સંપૂર્ણ ભાગને એક સાથે રેડિયોથેરાપીની સારવાર આપી શકાશે.
સાઇબર નાઇફ મશીન
સાઇબર નાઇફ મશીન જે અંદાજીત 27.56 લાખના ખર્ચે અમેરિકન સ્થિત કંપનીના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જે કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યાધુનિક માનવામાં આવે છે. રોબોટ દ્વારા આ મશીન થકી સારવાર શક્ય બને છે. મગજના કેન્સર તથા શરીરમાં ખૂબ જ નાની કેન્સરની ગાંઠ હોય તેવા કિસ્સામાં ફક્ત કેન્સરગ્રસ્ત ભાગને જ સારવાર આપીને અન્ય ટીસ્યુ (પેશીઓને) નહીંવત નુકસાન પહોંચે તે પ્રકારની સચોટ સારવાર આ મશીન ઉપલબ્ધ કરાવે છે.
બ્રેકીથેરાપી મશીન
બ્રેકીથેરાપી મશીન 3.25 કરોડના ખર્ચે યુરોપની કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે. કેન્સર હોસ્પિટલમાં આ મશીનના કાર્યાન્વિત થવાથી ખાસ કરીને કેન્સર ગ્રસ્ત સ્ત્રીઓને વધુ લાભ થનાર છે. આ પ્રકારનું મશીન ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સર, અન્નળી કેન્સરમાં જે ભાગમાં ગાંઠ હોય તે જગ્યામાં જરૂરી અને સુરક્ષિત માત્રામાં રેડિયોથેરાપી ડોઝ પહોંચાડે છે.
સિટી સિમ્યુલેટર
5.86 કરોડના ખર્ચે સિટી સિમ્યુલેટર પણ કેન્સર હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવનાર છે, જેના દ્વારા દરેક રેડિયોથેરાપીની સારવાર પહેલા જે ભાગમાં બિમારી હોય તે ભાગમાં કમ્યુટરાઇઝ સારવાર પ્લાનિંગ માટે દર્દીના સી.ટી. સ્કેન કરવામાં આવશે
અમદાવાદની 1200 બેડની કોવિડ હોસ્પિટલના તમામ બેડ પર ઓક્સિજનની સુવિધા મળશે
કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અમદાવાદ મેડિસીટીની અતિપ્રચલિત બનેલી 1200 બેડની કોવિડ ડેઝિગ્નેટેડહોસ્પિટલની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે સવારે મુલાકાત લીધી હતી.1200 બેડની હોસ્પિટલમાં નિર્માણાધીન વોર્ડની કામગીરી, તકનિકી ઉપકરણો, ઓ.પી.ડી. આઇ.સી.યુ. વગેરે જેવી સુવિધાઓની જાત માહિતી મેળવીની સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ 1200 બેડની હોસ્પિટલના તમામ બેડને ઓક્સિજનની સેન્ટ્રલ લાઇનથી જોડવામાં આવનાર છે.
જેથી હોસ્પિટલના તમામ બેડ પર ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ થઇ શકે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીનું આ એક આગોતરુ આયોજન છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેર ન પણ આવે તો સામાન્ય દિવસોમાં પણ સામાન્ય મહિલા અને બાળ દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાત સંતોષવા આ ઓક્સિજન સેન્ટ્રલ લાઇન અસરકારક સાબિત થશે તેમ પટેલે કહ્યું હતું.