પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 4 જાન્યુઆરી રવિવારના રોજ વારાણસીમાં યોજાયેલી 72મી રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશિપનું વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઉદ્ઘાટન કર્યું. આ રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં દેશભરના વિવિધ રાજ્યો અને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી કુલ 58 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં 1,000થી વધુ ખેલાડીઓ પોતાની રમત કૌશલ્યનું પ્રદર્શન કરશે.
આજે બપોરે 12 વાગ્યે યોજાયેલા આ ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં રમતગમતના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે રમતગમત ફક્ત મનોરંજન નહીં પરંતુ યુવાનોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસનું મહત્વપૂર્ણ માધ્યમ છે.
આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ વારાણસીમાં તાજેતરમાં તૈયાર થયેલા ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. આ આધુનિક રમતગમત સુવિધાઓથી સજ્જ સ્ટેડિયમમાં 4 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ યોજાશે. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ વચ્ચે ઊંચા સ્તરની સ્પર્ધા જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશિપનું આયોજન માત્ર રમતગમત પૂરતું સીમિત નથી પરંતુ તે વારાણસીના રમતગમત માળખાના વિકાસને પણ દર્શાવે છે. શહેરમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોના આયોજનથી વારાણસીની ઓળખ હવે સાંસ્કૃતિક કેન્દ્ર ઉપરાંત રમતગમતના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પણ ઊભરી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ ટુર્નામેન્ટ અંગે સંદેશ આપ્યો હતો. પોતાના સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દરેક સ્તરે ખેલાડીઓ અને રમતગમતને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. તેમણે આ વાત પર ખુશી વ્યક્ત કરી હતી કે બાબા વિશ્વનાથની નગરી કાશીમાં રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવાની તક તેમને મળી રહી છે.
આ ટુર્નામેન્ટ દ્વારા નવા ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળશે અને ભારતીય વોલીબોલને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.