સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા બી.એસ.સી. છઠ્ઠા સેમેસ્ટરના ઈન્ડસ્ટ્રીયલ માઈક્રોબાયોલોજી વિષયની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલી તારીખ કરતાં પહેલાં લઈ લેવાતાં માઇક્રોબાયોલોજીના લગભગ 700 સ્ટુડન્ટ્સને ફરી એક્ઝામ આપવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
- કિમની કોલેજની ભૂલના લીધે 700 સ્ટુડન્ટ્સે માઈક્રોબાયોલોજીની પરીક્ષા ફરી આપવી પડશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વિષયની પરીક્ષા મૂળ 2 એપ્રિલે યોજાનાર હતી, પરંતુ વિદ્યાદીપ કોલેજે આ પરીક્ષા 27 માર્ચે જ લેવામાં આવી હતી. આ કોલેજ સ્તરની ભૂલને કારણે પરીક્ષાની પારદર્શિતતા અને વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠ્યા છે. પરીક્ષા સમય પહેલાં લેવાઈ હોવાને કારણે પેપર લીક જેવી સ્થિતિ ઉભી થઈ હતી, જેને ધ્યાનમાં લેતા યુનિવર્સિટીએ 19 એપ્રિલે ફરીથી આ વિષયની પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે.
કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓના હિત માટે અને પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે યુનિવર્સિટી દ્વારા કડક નિર્ણય લેવાયો છે. વિદ્યાદીપ કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવી રહ્યું છે અને કોલેજ સામે રૂપિયા એક લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કોલેજની આ ગંભીર બેદરકારીને પગલે વિદ્યાર્થીઓમાં ગુસ્સો જોવા મળ્યો છે. ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમની કોઈ ભૂલ નહોતી છતાં તેમને ફરીથી પરીક્ષા આપવા મજબૂર થવું પડ્યું છે.VNSGUએ અન્ય વિદ્યાર્થીઓને પરેશાની ન પડે અને વ્યવસ્થિત રીતે પરીક્ષા યોજાઈ શકે તે માટે કિમના વિદ્યાર્થીઓ માટે નજીકની કોસંબા સાયન્સ કોલેજમાં નવી પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરી છે.
